Home Crime ખેડામાં એન્ડ્રોઇડ ફોન બન્યું મોતનું કારણ; ફ્રી ફાયર ગેમ રમતાં બાબતે ‘બે...

ખેડામાં એન્ડ્રોઇડ ફોન બન્યું મોતનું કારણ; ફ્રી ફાયર ગેમ રમતાં બાબતે ‘બે ભાઈઓ’ વચ્ચે મનદુઃખ થતાં કિશોરે પિતરાઈ ભાઈને પથ્થર મારી કૂવામાં ફેંક્યો!

Face Of Nation 26-05-2022 : બાળકોમાં મોબાઈલ ગેમ્સના દુષણનો વ્યાપ વધતો જઇ રહ્યો છે, જેમાં મોબાઈલના વ્યસનથી નડિયાદના એક કિશોરનો જીવ ગયો છે. મોબાઈલ ગેમ્સ રમવા બાબતે થયેલા મનદુઃખમાં કિશોરે પોતાના પિતરાઈ ભાઈને પથ્થર મારી કૂવામાં ફેંકી દેવાની ચકચારી ઘટના ખેડામાં પ્રકાશમાં આવી છે. ગોબલેજ ગામે બનેલા બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડા ટાઉન પોલીસે આ સંદર્ભે કિશોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી દીધી છે.
બંને ભાઇ વારફરતી ફ્રી ફાયર રમતા હતા
ઘરેથી નીકળેલા આ બંન્ને પિતરાઈ કિશોરો મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યા નહોતા. તેથી પરિવારજનોએ શોધખોળ આદરી હતી. 16 વર્ષિય કિશોરની ભાળ મળતાં તેણે પોતાના માવતર સામે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં આ કિશોરે પોતાના પિતરાઈ ભાઈ વિઝેશની હત્યા કરી દીધી હોવાનું જણાવ્યું હતું. આ બંન્ને કિશોરો પાણીપુરી ખાવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. આ બંન્ને કિશોર પૈકી એક જોડે એન્ડ્રોઇડ ફોન હતો. જેમાં આ બંન્ને પિતરાઈ ભાઈ વારાફરતી ફ્રી ફાયર ગેમ રમતા હતા.
બંને પાણીપુરી ખાવાનું કહી ઘરેથી નીકળ્યા હતા
મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના દામસાથ ગામના અને હાલ ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં પીક એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. પાસે રહેતા 34 વર્ષિય જીતમલ ઝીથરા વાલહી દામસાથના 12 વર્ષિય પુત્ર વિઝેશની હત્યા થઈ છે. જીતમલ પોતાના ભાઈ સાથે અહીંયા રહી ગુજરાન ચલાવે છે. વિઝેશ અને તેના કાકાનો 16 વર્ષિય દીકરો સાંજે પાણીપુરી ખાવાનું કહી ઘરેથી નીકળ્યા હતા.
કિશોરને પથ્થર મારી કૂવામાં ફેંકી દીધો
ગોબલેજ ગામની સીમમાં NGM 116 વેલ નજીક હવળ કૂવા પાસે તેઓ ગેમ રમતા હતા. આ દરમિયાન બે પિતરાઈ ભાઈઓ ગેમ રમવાના વારા અંગે મનદુઃખ થતા કિશોરે પોતાના પિતરાઈ ભાઈ વિઝેશને માથામાં વજનદાર પથ્થર માર્યો હતો. જેના કારણે વિઝેશ ત્યાં સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો. પથ્થર મારનારા કિશોરે માની લીધું હતું કે વિઝેશ મૃત્યુ પામ્યો છે‌. જેથી આસપાસ કોઈ ન હોવાથી તે પણ ગભરાઈ ગયો હતો, બેભાન પિતરાઈ ભાઈના હાથ તારથી બાંધી પથ્થર સાથે તેને નજીકના કૂવામાં ફેંકી દીધો હતો. બેભાન વિઝેશનું કુવાના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું.
મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયો
આમ સમગ્ર બનાવ પ્રકાશમાં આવતા જીતમલ ઝીથરા વાલહી દામસાથે ખેડા ટાઉન પોલીસને આ બનાવની જાણ કરી હતી. આથી પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મૃતક કિશોરના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો. આ અંગે પોલીસે કિશોર સામે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).