Home Uncategorized ગંભીરા બ્રિજ દુર્ઘટના : રાજકારણીઓ અને અધિકારીઓમાં જ્યાં સુધી પ્રજાનો ડર નહિ...

ગંભીરા બ્રિજ દુર્ઘટના : રાજકારણીઓ અને અધિકારીઓમાં જ્યાં સુધી પ્રજાનો ડર નહિ ઘૂસે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે

Face Of Nation 10-07-2025 : ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના બની હતી, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા છતાં ત્યાં ભાજપની જીત થઇ હતી અને આ જીત બાદ ભાજપને એવો ભ્રમ ઘુસી ગયો છે કે, ગમે તેવી ઘટનાઓ બનશે પણ પ્રજા આપડું કશું ઉખાડી શકવાની નથી. પ્રજા ચૂંટણીમાં ભાજપના જ બટન દબાવશે અને ભાજપને જ સત્તામાં લાવશે. પ્રજાની નીતિરીતિ પણ હવે ભાજપ પારખી ગયું છે એટલે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને દાદાગીરીથી સરકાર ચલાવવામાં આવી રહી છે. ગમે તેટલી દુર્ઘટનાઓ બને પણ સરકાર ક્યારેક કડકાઈ દાખવતી જોવા મળતી નથી. ભાજપના મંત્રીઓ અને નેતાઓના મોઢે એક જ ગોખેલું વાક્ય તમામ ઘટનાઓ સમયે પુનરાવર્તિત થાય છે. તે વાક્ય છે “કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહિ, સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરીને જવાબદારો સામે કડક કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે”.
મહીસાગર નદી પર આવેલો મુજપુર-ગંભીરા બ્રિજ વહેલી સવારે ધસી પડ્યો હતો, જેમાં 9 નિર્દોષ લોકોના કરુણ મોત થયા હતા. આ દુર્ઘટનામાં 7 વાહનો નદીમાં ખાબક્યા હતા, જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ ઘટનાએ તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહીને ફરી એકવાર ઉજાગર કરી છે, કારણ કે બ્રિજની જર્જરિત સ્થિતિ અંગે અગાઉથી જ ચેતવણીઓ આપવામાં આવી હતી. એક જાગૃત નાગરિકે 27 જૂન, 2023 ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો પોસ્ટ કરીને આ જ બ્રિજ અંગે ચેતવણી આપી હતી. તેણે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત મીડિયાને ટેગ કરીને લખ્યું હતું કે, “તમારા માટે બ્રેકિંગ ન્યૂઝ આવશે, જેવા મોરબીના આવ્યા હતા. કવરેજ માટે તૈયાર રહેજો.” છતાં સતત શો બાજીમાં વ્યસ્ત ગૃહમંત્રીએ કે મુખ્યમંત્રીએ કે સરકારના કોઈ અધિકારીએ કોઈ ધ્યાન ન આપ્યું.
સરકારને બેજવાબદાર બનાવવા પાછળ મુખ્ય ફાળો પ્રજાનો રહેલો છે. પ્રજા સાથે સતત અન્યાય વધી જાય અને તેમ છતાં કોઈ રાજકીય પક્ષ સત્તામાં આવે તે સમયે પ્રજાની નિષ્ક્રિયતા અને બેદરકારી સ્પષ્ટ છતી થાય છે. કેમ કે, આવા સમય બાદ પ્રજાને નેતાઓ અને રાજકારણીઓ ભાજીમૂળા સમજે છે. તેમના બંધબારણે તો એવી જ શેખી મારવામાં આવતી હોય છે કે, પ્રજા કશું તોડી લેવાની નથી, ભલેને ગમે તેટલા મરી ગયા હોય. ચૂંટણી ટાણે આ બધું ભૂલીને લોકો ભાજપને જ મત આપશે. જ્યાં સુધી રાજકારણીઓના મનમાં આવી શેખી ચાલતી રહેશે કે પ્રજાનો ડર ઉભો નહિ થાય ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. જેનાથી પ્રજાએ તૈયાર રહેવું પડશે. ક્યારે કોનો વારો કેવી રીતે આવશે તે નક્કી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation નિયમિત ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવા ક્લિક કરો : https://chat.whatsapp.com/IExd72W3WVJDj626cS7w5W?mode=r_t ).

અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્યનું અંગ પ્રદર્શન, ચડ્ડી પહેરીને કર્યું શરીરનું પ્રદર્શન