ગુજરાતમાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર થતા ભાજપ દરેક જિલ્લામાં વિજય વિશ્વાસ સંમેલન યોજી રહ્યું છે. જેના ભાગરૂપે આજે અમરેલીમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. સંમેલન દરમિયાન ચાલુ સભાએ અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને સ્થળ પર મિનિ વાવાઝોડું જેવો પવન ફૂંકાતા સમણિયાઓ ઉડતા નેતાઓ અને કાર્યકરોમાં અફરાતફરી મચી ગઇ હતી. સમિયાણાના 8થી વધુ માંડવા ઉડતા કાર્યકરોમાં ભાગદોડ થઇ હતી. આથી સ્ટેજ પર બેઠેલા નેતાઓના જીવ તાળવે ચોટ્યા હતા. જો કે જાનહાનિ ન સર્જાતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો.
સંમેલનમાં કોણ કોણ હાજર રહ્યું: અમરેલીમાં યોજાયેલા સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા, અમરેલી પ્રભારી જયંતી કવાડિયા, પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. અમરેલી બાદ રાજકોટમાં પણ વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પણ પરષોતમ રૂપાલા સહિતના નેતાઓ હાજર રહ્યા છે. રાજકોટ વિશ્વાસ સંમેલનમાં આવી પહોંચેલા કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ કરેલી જાહેરાત લટકતા ગાજર સમાન છે. અમે દેશ અને સમાદને ધ્યાને રાખીને કામ કરીએ છીએ. રાહુલ ગાંધીની જાહેરાત પર લોકો વિશ્વાસ નહીં કરે. (DB Studio)