Home Exclusive વિશેષ : ગાંધીનગર “આપ”ને ન ફળ્યું : ચૂંટણીથી લઈને કમલમ ખાતેના દેખાવો...

વિશેષ : ગાંધીનગર “આપ”ને ન ફળ્યું : ચૂંટણીથી લઈને કમલમ ખાતેના દેખાવો ભારે પડ્યા અને શરૂ થઇ પડતીની કહાની

Face of Nation Special Report By Dhaval Patel 04-02-2022 : આમ આદમી પાર્ટી જયારે સુરત કોર્પોરેશનની ચૂંટણી જીતીને વિરોધ પક્ષમાં બેસવા સક્ષમ બન્યું ત્યારથી તેનો સિતારો ચમકી રહ્યો હતો અને ઠેર ઠેર લોકોનો આવકાર પાર્ટીને મળી રહ્યો હતો. જો કે આમ આદમી પાર્ટી જેવી ગાંધીનગરમાં પ્રવેશી કે તેની પડતીની શરૂઆત થઇ તેમ કહેવામાં કોઈ બે મત નથી. ગાંધીનગર સાથે જોડાતી બે મોટી બાબતો પછી આમ આદમી પાર્ટીની રીતસર પડતી શરૂ થઇ ગઈ. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ મળેલી કારમી હાર અને કમલમ ખાતે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન બાદ આમ આદમી પાર્ટીમાં રીતસર તડા પડવાની શરૂઆત થઇ જેનું પરિણામ આજે વધુ એક વાર સુરતમાં જોવા મળ્યું.
આમ આદમી પાર્ટીએ રાજકીય રીતે ગુજરાતમાં જે વ્યક્તિઓને નેતાગીરી માટે અને પક્ષના મુખ્ય આગેવાન તરીકે પસંદ કર્યા ત્યાંથી જ તેમની પડતી નક્કી દેખાઈ રહી હતી. જે ગોપાલ ઈટાલીયા ઉપર બ્રાહ્મણ સમાજથી લઈને અન્ય સમાજમાં પણ લોકોની નારાજગી છે તે ગોપાલ ઇટાલિયાને પક્ષનો સર્વસત્તાધીશ બનાવવામાં આવ્યો અને ત્યારબાદ ઈશુદાન ગઢવીને પક્ષમાં મહત્વની જવાબદારી સોંપીને એવા લોકોને રાજકીય એકડો ઘુંટવાની સત્તા આપવામાં આવી કે જેઓને રાજકારણ સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નહોતા. રાજકારણમાં સફળ થવા રાજકીય વ્યકિતઓ કે જેઓ રાજકીય ગણિતના કોયડા ઉકેલવા સક્ષમ હોય તેવા લોકોને કમાન સોંપવી કે તેવા લોકોને આગળ કરવા પણ જરૂરી હોય છે. નહીં કે તેવા લોકોને હાથમાં નિર્ણય શક્તિ આપી દેવી જોઈએ કે જેઓ રાજકીય કોયડા ઉકેલવા સક્ષમ જ ન હોય. ગોપાલ ઈટાલીયા કે ઈશુદાન ગઢવી રાજકીય ગણિત ઉકેલવા સક્ષમ જ નથી. આ બાબતનો લાભ ભાજપે આબાદ રીતે લઇ લીધો છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજકીય ગણિત સામે વર્ષો જૂની કોંગ્રેસ પાર્ટી પણ ખતમ થવાના રસ્તે આગળ વધી રહી હોય તો આમ આદમી પાર્ટીના રાજકીય માણસો જ ન હોય તેવા લોકોની સફળતા અંગે સવાલ થાય તે સ્વાભાવિક છે.
ભાજપ હાલના સમયે પ્રજાના મગજ ઉપર હિન્દૂવાદી સરકાર હોવાની છાપ સાથે એવા ચિત્ર તરીકે ઉપસી રહી છે કે, ભાજપ છે તો જ પ્રજા છે, ભાજપ નહીં હોય તો પ્રજા નહીં હોય. આ વિચાર અને આ ચિત્ર પ્રજાના માનસપટમાંથી ભૂંસવા માટે બુદ્ધિશાળી રાજકીય વ્યક્તિ જ સફળ થઇ શકે છે. કોંગ્રેસની આક્રમકતા કે આમ આદમી પાર્ટીની અણઆવડત ભાજપનો વાળ વાંકો કરી શકે તેમ નથી.
ગાંધીનગર ખાતે કમલમમાં કરાયેલા દેખાવો બાદ એક પછી એક લોકો પાર્ટી છોડવા લાગ્યા હતા તેનું પડદા પાછળનું કારણ જુદું છે. આમ આદમી પાર્ટીના નેતાઓને પણ સત્તાધારી ભાજપના નેતાઓએ સિસ્ટમનો ઉપયોગ કરીને આડકતરી રીતે દબાવવાના પ્રયાસો કર્યા અને દબાણમાં આવી ગયેલા લોકોએ આમ આદમી પાર્ટીથી છુટા થવાનો નિર્ણય લીધો. આ વાતો અત્યંત ગોપનીય છે અને તે અંગે અત્યારે વધારે ચર્ચા કે લખાણ કરવું પણ યોગ્ય નથી. જો કે ભાજપના ઘરમાં જ આમ આદમી પાર્ટીના લોકો દ્વારા કરવામાં આવેલા ધરણા એ વિચાર્યા વિનાનો નિર્ણય હતો જે કંઈક નેતાઓને આજે પક્ષમાંથી નીકળી જવા સુધી લઇ આવ્યો છે.
જે ગાંધીનગરના કમલમ ખાતે ઉગ્ર દેખાવો કરવા આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સહીત પહોંચ્યા હતા તે જ ગાંધીનગરના કમલમ ખાતે આજે સુરત AAPના 5 કોર્પોરેટરોએ સત્તાવાર રીતે કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા અને રૂતા દૂધાતરા ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે આજે તમામ આપ નેતાઓને વિધિવત પક્ષમાં સામેલ કરવામાં આવ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).