Home Exclusive એક ખતરનાક કેદી જેને જમીન નીચે ખાસ બનાવેલી કાચની જેલમાં રાખવામાં આવ્યો...

એક ખતરનાક કેદી જેને જમીન નીચે ખાસ બનાવેલી કાચની જેલમાં રાખવામાં આવ્યો છે, જાણો શું છે કારણ

Face of Nation 08-02-2022 : આમ તો કહી શકાય કે સિરીયલ કિલરો પહેલા એટલા ચર્ચામાં નહોતા આવતા જેટલા સિરીયલ કિલરની ફિલ્મોથી આવવા લાગ્યા છે. રટસાસન જેવી ક્લાસિકથી લઈને અગણિત ફિલ્મોમાં ક્રમબદ્ધ હત્યારાઓની ગાથાઓ દર્શાવી દિગ્દર્શકો દર્શકોને મનોરંજન પૂર્ણ પાડી ચૂક્યા છે. આમ પણ સિરીયલ કિલરમાં શોધ પ્રવૃત્તિ અને હત્યા કોણે કરી એ જ મહત્વનું હોય છે.

કેટલાક હત્યારાઓ બદલો લેવા માટે હત્યા કરે છે જ્યારે કેટલાકને ખૂન કરવામાં આનંદની પ્રાપ્તિ થાય છે એટલા માટે હત્યા કરે છે. મજા આવે એટલે? મેમરીસ ઓફ મર્ડર ફિલ્મ જોઈ લેવી. એક આવો જ સિરીયલ કિલર ધરતીની નીચે એકલો જીવી રહ્યો છે. એને એ પણ ખબર નથી કે બહાર કોરોના વાઈરસ ફેલાયો છે! વર્ષોથી તે એકલો જ ક્વોરન્ટાઈન છે.

કેદીનું નામ છે રોબર્ટ મોડસ્લે. લિવરપૂલ શહેરનો રહેવાસી છે. એક એવો અપરાધી જેને ઈંગ્લેન્ડના ઈતિહાસનો સૌથી કુખ્યાત સિરીયલ કિલર કહેવામાં આવે છે. મોટાભાગે આવા હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે છે અથવા તો ઉંમરભર જેલમાં સડવા દેવામાં આવે છે. પરંતુ રોબર્ટની સાથે આ બેમાંથી કંઈ પણ નથી થયું. આ કાતિલને તેની ભયાનક હત્યાઓ માટે એક અવનવી સજા ફરમાવવામાં આવી છે.

રોબર્ટ મોડસ્લેની વાર્તા આજથી 45 વર્ષ પહેલા શરૂ થાય છે. ઈન્ટરનેટ અને સીસીટીવી વગરની દુનિયામાં. જ્યારે તેની વય માત્ર 21 વર્ષની હતી. દરેક સિરીયલ કિલરની જેમ તેની વાર્તા હતી. એ દેખાવમાં સાવ સામાન્ય લાગતો હતો. કોઈને પણ માથામાં હાથ ફેરવવાનું મન થઈ જાય એવો ભોળો, પરંતુ તેના આ મૂખની પાછળ જ શૈતાન વસવાટ કરતો હતો.

બસ થોડા સમયમાં જ આ શૈતાને તેના દેહની બહાર ડોકિયું કર્યું. રોબર્ટે એક વ્યક્તિની નિર્દયતા પૂર્વક હત્યા કરી નાખી. એક હત્યા સુધી તો બરાબર હતું. પણ તેણે લોહી ચાખી લીધું હતું. એ એક પછી એક હત્યાઓ કરતો જ ગયો. ઈ:સ 1974થી 1978ની વચ્ચે તેણે ચાર વધારે લોકોનું કાસળ કાઢી નાખ્યું. હવે તમારા પગ નીચેથી જમીન સરકાવીએ તો, મૃતકોમાં તેની પત્નીનો પણ સમાવેશ થાય છે.

બ્રિટનના સિરીયલ કિલર રોબર્ટ મોડસ્લેનું નામ આજે બાળકોની જીભે રમે છે. એક સમયે તેની આ શ્રેણીબદ્ધ હત્યાઓએ બ્રિટનના નાગરિકોનું જીવવું હરામ કરી દીધું હતું. એવામાં જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેને અન્ય કેદીઓ સાથે રાખવામાં એક મોટું જોખમ હતું. કેમ કે રોબર્ટ હિંસક હતો. 1983ની સાલમાં તેના માટે પશ્ચિમ યોર્કશાયર વિસ્તારમાં સ્પેશિયલ જેલ બનાવવામાં આવી. જે એક અંડરગ્રાઊન્ડ 5.5X4.5 સાઈઝનો કાચનો બોક્સ છે. કાચની ખાસિયત કે એ બુલેટપ્રૂફ ગ્લાસની સેલ છે. એ 23 કલાક આ કોઠરીમાં જ પસાર કરતો હતો. અહીં ઉંઘવા માટે એક કોંક્રિટ સ્લેબ અને વોશરૂમ છે. આ સિવાય નરી શૂન્યતા છે.

સિરીયલ કિલર રોબર્ટ આ સજાથી એટલો કંટાળ્યો છે કે તેણે વર્ષ 2000માં અદાલતને એક દયા અરજી કરી હતી કે તેને મારી નાખવામાં આવે. 2021ના ક્રિસમસ પર તેણે અન્ય કેદીઓની સાથે રહેવાની અરજી પણ કરી હતી. જોકે ઉપરની બંને અરજીઓને પ્રશાસને લાત મારી ફગાવી દીધી હતી. પ્રશાસનને આજે પણ એ વાતની ચિંતા કોરી ખાય છે કે રોબર્ટની અંદરનો રાક્ષસ જાગી જશે તો કેદીઓની શામત આવી જશે.

સિરીયલ કિલર રોબર્ટ મોડસ્લે હાલ 68 વર્ષનો થઈ ચૂક્યો છે. આજે પણ 2022ની સાલમાં તે જમીનની નીચેની જેલમાં કેદ છે. જોકે આનાથી મોટી કઈ સજા હોઈ શકે? સતત એકલતામાં રહેવું. વારંવાર ઝૂરાપો સહન કરવો. સૂર્યના કિરણોને સ્પર્શ ન કરવું. શિયાળાની મંદ મંદ હવાને કાયામાં ન ઝીલવી. સાહિત્યકારો ભલે એ ઠાવકી વાત કરતા હોય કે એકલતામાં તો મજા આવે છે. જો એવું હોય તો રોબર્ટને એક વખત પૂછી આવો.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).