Home Crime અમદાવાદમાં બેન્કમાંથી 2000 રૂપિયાની 42 નકલી નોટો મળી, 56 નોટો સાથે એન્જિનિયરિંગ...

અમદાવાદમાં બેન્કમાંથી 2000 રૂપિયાની 42 નકલી નોટો મળી, 56 નોટો સાથે એન્જિનિયરિંગ સ્ટુડન્ટની કરાઈ ધરપકડ, માસ્ટર માઇન્ડ હજી ફરાર!

Face Of Nation 23-05-2022 : શહેરમાં બનાવટી ચલણી નોટો ફરતી કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવાની નવી મોડસ ઓપરન્ડી સામે આવી છે. 42 જેટલી નકલી નોટો બેંકમાં પહોંચી ગઈ અને બેંકના કેશિયરને જાણ પણ ન થઈ. ક્રાઇમ બ્રાન્ચે આવી જ કુલ 98 નોટો કબ્જે કરીને એક આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ગુનાનો માસ્ટર માઇન્ડ હજી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
રૂ.2000ના દરની 1.96 લાખની નકલી નોટો પકડાઈ
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દિલીપ કેશવાલા નામના એક આરોપીની ધરપકડ કરી છે, જે સોલાનો રહેવાસી છે અને એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. દિલીપ પાસેથી 2000ના દરની 56 બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. અને તે અગાઉ તેણે 42 બનાવટી નોટોની મદદથી મોબાઇલ ફોન અને સોનું ખરીદ્યું હોવાનું સામે આવ્યુ છે. જે 42 નોટો બેંકમાંથી ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરી છે. એટલે કે કુલ 1.96 લાખની બનાવટી નોટો અલગ અલગ જગ્યાએથી કબ્જે કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે આ તમામ નોટો હાઈ ક્વોલિટીની છે. મોટાભાગના સિક્યુરિટી ફિચર્સ પણ છે. જેને લઈને આ નોટોનું પાકિસ્તાન કનેક્શન હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
1 લાખની નકલી નોટો ફરતી કરવા પર રૂ.10 હજાર મળતા
બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપીએ નવી મોડસ ઓપરન્ડી શરૂ કરી હતી. જેમાં ડમી સીમકાર્ડની મદદથી ઓનલાઈન સર્વિસના બહાને સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવવામાં આવતુ અને તે ગ્રુપમાં રહેલા સભ્યોને પોર્ટર બનાવી તેમને પાર્સલમાં બનાવટી નોટો મોકલવામાં આવતી અને તે નોટોના આધારે મોંઘા મોબાઇલ અને સોનું ખરીદવામાં આવતું હતું. બાદમા સસ્તી કિંમતે આ વસ્તુ વેચી દઈ અસલી નોટો આંગડિયા પેઢીમાં અને ત્યાંથી બિટકોઈનમાં રોકાણ થતી હતી. જોકે ઝડપાયેલ આરોપી દિલિપની પુછપરછમાં તે ક્યારેય મુખ્ય આરોપીને મળ્યો નથી કે વાત પણ નથી કરી. સાથે જ લાખ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપીને 10 હજાર રૂપિયા મળતા હતા.
6 મહિનાથી નકલી નોટો ફરતી કરવાનું કૌભાંડ ચાલું
​​​​​​​મહત્વનું છે કે છેલ્લા 6 મહિનાથી બનાવટી નોટોને બજારમાં ફરતું કરવાનું નેટવર્ક ચાલતું હતું. જેમાં ઝડપાયેલ આરોપી દિલીપ 5 મહિનાથી જોડાયેલો હતો. સાથે જ આ ગુનાનો માસ્ટર માઈન્ડ પણ અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે. જોકે હવે ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલ છે અને ગ્રૂપમાં રહેલા અન્ય નંબરોના આધારે તપાસ હાથ ધરી છે. સાથે જ બનાવટી નોટો પાકિસ્તાનથી આવી છે કે કેમ તે અંગે પણ કેન્દ્રિય એજન્સીઓ સાથે તપાસ શરૂ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).