કોંગ્રેસમાં ઠાકોર સમાજમાં કોને ટિકિટ આપવી અને કોને નહીં તે બાબતે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે પાટણમાં જગદીશ ઠાકોરને ટિકિટ આપવાના મુદ્દે બાંયો ચડાવી હોવાનું સૂત્રોનું કહેવું છે, જેના પગલે જગદીશ ઠાકોર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળ્યા હતા.
આ પછી ચાવડાએ અલ્પેશ અને જગદીશ ઠાકોરને એકમત થઇને ઠાકોર સમાજમાં કોને ટિકિટ આપવી તે બાબતે સહમતી સાધવાની તાકીદ કરી હતી. આ મુદ્દે જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરનો સંપર્ક કરતા બંનેએ કહ્યું હતું કે, અમારી વચ્ચે કોઇ વિવાદ નથી.સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં પસંદગી કરવામાં કોંગ્રેસ ગૂંચવાઇ: કોંગ્રેસમાં સુરેન્દ્રનગર,અમરેલી,પાટણ,બનાસકાંઠા અને મહેસાણામાં દાવેદારો વધી જતા ટિકિટનો મુદ્દો ગૂંચવાયો છે. સુરેન્દ્રનગરમાં લાલજી મેર, સોમા ગાંડા વચ્ચે, અમરેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે, પાટણમાં ઠાકોર સમાજમાં ખેંચતાણ, બનાસકાંઠા-મહેસાણામાં ચૌધરી, ઠાકોર, પટેલો વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. જેથી કોંગ્રેસ હવે કોને ટિકિટ આપશે તે બાબતે લોકો મીટ માંડીને બેઠા છે.