Home News મહિલાએ ગાળો ભાંડતા પોલીસ કર્મચારીએ લાફો માર્યો : એમાં ખોટું શું ?,...

મહિલાએ ગાળો ભાંડતા પોલીસ કર્મચારીએ લાફો માર્યો : એમાં ખોટું શું ?, સસ્પેન્ડ કરવા અયોગ્ય

Face Of Nation 20-12-2025 : મહિલાઓ જયારે ભાન ભૂલીને બેફામ ગાળો બોલે ત્યારે સામે વાળા વ્યક્તિઓ સંયમની હદ વટાવી દે તે સ્વાભાવિક છે. કોઈ પણ વ્યક્તિ તેની વિરુદ્ધ બેફામ ગાળો બોલાય તો પિત્તો ગુમાવે તેમાં કાંઈ ખોટું નથી.  N ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા એક ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસ કર્મચારીએ એક મહિલાને લાફો ઠોકી દીધો હતો. પોલીસનું આ વર્તન અયોગ્ય નહોતું કેમ કે જે રીતે તે મહિલાનો ગાળાગાળી કરતો વિડીયો વાયરલ થયો છે તે જોતા લાગે કે, પોલીસે આ મહિલા વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને એ ઉદાહરણ બેસાડવું જોઈએ કે, જેનાથી ફરીથી કોઈ મહિલા જાહેરમાં દાદાગીરી કે ગાળાગાળી કરતા પહેલા સો વાર વિચાર કરે તેના બદલે પોલીસે તેમના જ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે. પોલીસ અધિકારીઓની આ કાર્યવાહી અયોગ્ય ચોક્કસ કહી શકાશે. કેમ કે, બેફામ ગાળાગાળી અને દાદાગીરી કરનારાઓ સામે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં ભરવા લાગશો તો દાદાગીરી કરનારાઓ અને ગાળાગાળી કરનારાઓની સંખ્યામાં વધારો થઇ જશે.
દરેક વ્યક્તિને તેનું માન સન્માન મળવું જરૂરી છે. અંજલિ ચાર રસ્તા નજીક પોલીસે એક મહિલાને રોકતા આ મહિલાએ તેનો રુઆબ જમાવ્યો હતો અને બેફામ ગંદી ગાળો બોલી તેનો રોષ ઠાલવ્યો હતો. સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ તેને હદ બહાર ગાળો બોલવામાં આવે તો સહન ન કરે, તેનો પિત્તો જાય જ અને એવું જ બન્યું આ કેસમાં. પોલીસ કર્મચારીનો માં બહેન સમાણી બેફામ ગાળો બોલતી મહિલા વિરુદ્ધ પિત્તો ગયો અને સણસણતો એક તમાચો લગાવી દીધો. પોલીસે મારેલો આ લાફો અયોગ્ય ક્યાંથી કહેવાય ? મહિલાની ગાળો યોગ્ય હોય તો પોલીસે મારેલો લાફો પણ યોગ્ય છે. પોલીસની નોકરી કરે છે વ્યક્તિ તેનો મતલબ એ પણ નથી કે, તે તેના સન્માન બહાર જઈને ફરજ નિભાવે.
પોલીસ અધિકારીઓએ આ પોલીસ કર્મચારીનું સસ્પેનશન પરત ખેંચીને તેને ત્યાં જ ડ્યુટી ઉપર લગાવવો જોઈએ. નહિ કે તેને ત્યાંથી હટાવીને સસ્પેન્ડ કરી દેવો જોઈએ. કેમ કે, આવી કામગીરીથી લુખ્ખાઓની હિંમતમાં વધારો થશે. જે મહિલા સાથે પોલીસ કર્મચારીને માથાકૂટ થઇ હતી તે મહિલા અગાઉ પણ પોલીસ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરીને વિવાદમાં આવી ચુકેલી છે તેથી તેનો ભૂતકાળ જોતા પોલીસે કડક કાર્યવાહી કરવી ખુબ જરૂરી છે. પોલીસ ખોટું કરે તો તેની વિરુદ્ધ તમે વિડીયો બનાવીને કે અરજી આપીને કાર્યવાહી કરી શકો છો પણ આમ જાહેરમાં બેફામ ગાળો ભાંડીને ખોટો રુઆબ છાંટવો અયોગ્ય છે અને તેથી પણ વધુ અયોગ્ય છે કે, પોલીસ અધિકારીઓ કે નેતાઓ દ્વારા આવા પોલીસ કર્મચારીઓ ઉપર કાર્યવાહી કરવી કે જે ફરજ બજાવતા સમયે ખોટા વ્યક્તિઓના રોષનો ભોગ બન્યા છે. આશા રાખીએ અમદાવાદની બાહોશ પોલીસ તેમના કર્મચારીનું સસ્પેનશન રદ્દ કરીને ફરજ ઉપર પરત મોકલે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).