Home News અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક, મારામારીની ઘટનાઓ અને પોલીસ સરપંચો સાથે ચાય પે...

અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક, મારામારીની ઘટનાઓ અને પોલીસ સરપંચો સાથે ચાય પે ચર્ચામાં વ્યસ્ત

Face Of Nation 11-08-2025 : છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વોના આતંક વધતા જઈ રહ્યા છે. ચોરી, લૂંટફાટ અને મારામારીના કિસ્સાઓના વિડીયો વાયરલ થઇ રહ્યા હોવા છતાં સ્થાનિક પોલીસ મૂક પ્રેક્ષક બનીને સમગ્ર તમાશો નિહાળી રહી હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા થઇ રહ્યા છે. અસામાજિક તત્વોના આતંક વચ્ચે કુંભારીયાના સરપંચ અંબાજીના ભાજપના નેતાના ભત્રીજાનો કોલર પકડીને માર મારી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો વાયરલ થયા બાદ અંબાજી પોલીસે સરપંચ સહિતના લોકો સાથે ચાય પે ચર્ચા યોજી હતી પણ હજુ સુધી આ મામલે કોઈ પણ વ્યક્તિની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી ન હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે. વેપારીઓ અસુરક્ષિત છે અને અસામાજિક તત્વો સુરક્ષિત છે જેનો શ્રેય સ્થાનિક પોલીસને જાય છે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
પ્રજાજનોએ પોલીસને આવેદન પત્રો આપવા જવું પડે અને પછી પોલીસ કાર્ય કરે તે તો પોલીસ માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી સ્થિતિ છે. અંબાજી પોલીસ ઇન્સ્પેકટર કુંભકર્ણની નિંદ્રામાં છે અને રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા તીર્થધામમાં બિન્દાસ્ત ખુલ્લેઆમ દારૂ વેચાય છે, મારામારીઓ થાય છે અને પોલીસ ક્યાંય નજરે ચઢતી નથી તે વાત એસપી સહિતના અધિકારીઓ માટે શરમજનક છે. અંબાજીમાં છેલ્લા બે દિવસથી આદિવાસી સમાજનો મેળો ચાલી રહ્યો છે. આ મેળા દરમ્યાન અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું છે. બીજી તરફ કાયદો અને વ્યસ્થા સંભાળવાની જવાબદારી જેના માથે છે તે સ્થાનિક પોલીસ સમગ્ર મામલે મૂક પ્રેક્ષક બની ગઈ છે. જાણે કે અંબાજીમાં અસામાજિક તત્વોને પોલીસે છૂટોદોર આપી દીધો હોય તેવું વાતાવરણ ઉભું થયું છે. જો કોઈ સ્થાનિક કે આમ નાગરિકના મારામારીના વિડીયો વાયરલ થાય તો પોલીસ ગુનો નોંધીને તમામની ધરપકડ કરી લેતી હોય છે પરંતુ અંબાજીમાં ધોળા દિવસે ભર બજારે મારામારીનો એક વિડીયો વાયરલ થાય છે અને આ વીડિયોમાં જે કુંભારિયાના સરપંચ દેખાય છે તેને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસ ચાય પે ચર્ચા કરે છે. ખરેખર આ પોલીસની આબરૂના ધજાગરા ઉડાડે તેવી વાત છે. પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરવાને બદલે સરપંચોને બોલાવી ચાય પે ચર્ચા કરીને ગપાટા મારવામાં વધુ રસ હોય તેમ લાગી રહ્યુ છે. જો પોલીસ આમ જ રાજકીય દબાણ કે રાજકીય કદ આગળ નમાલી બનીને કાર્યવાહી કરતી રહેશે તો લોકોને ખાખી ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. પોલીસ સ્ટેશનમાં ચા પાણીના ફોટો પણ વાયરલ થયા છે.
અંબાજી બજારમાં ધોળા દિવસે ક્યાંક દુકાનમાંથી પેકેટોની લૂંટફાટ તો ક્યાંક જાહેરમાં મારામારીના વિડીયો વાયરલ થયા છે. તેવામાં પોલીસની કાર્યવાહી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કેમ કે, આ ઘટનાને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો ન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરવાને બદલે સરપંચોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને મીટિંગોના નાટકો કર્યા છે અને ચા પાણીના જલસા કર્યા છે. કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી ઘટનાઓ બની રહી હોવા છતાં પોલીસ કેમ કોઈ કાર્યવાહી કરી રહી નથી તે સવાલ સ્થાનિક વેપારીઓ ઉઠાવી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation નિયમિત ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવા ક્લિક કરો : https://chat.whatsapp.com/IExd72W3WVJDj626cS7w5W?mode=r_t ).