Home News ભાવેશ અને ભાર્ગવ ઝિલીયાનું મસ્તાની ગ્રુપ બન્યું “સ્ટેટ ઓફ રામાધણી” ટ્રેન્ડ

ભાવેશ અને ભાર્ગવ ઝિલીયાનું મસ્તાની ગ્રુપ બન્યું “સ્ટેટ ઓફ રામાધણી” ટ્રેન્ડ

Face Of Nation 03-01-2025 : “સ્ટેટ ઓફ રામાધણી”, “રામાધણી”. વાહનો ઉપર આ નામો લખવાનો ટ્રેન્ડ હાલ સમગ્ર ગુજરાતમાં ચાલ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે. આસ્થા અને શ્રદ્ધા મુજબ અનેક લોકો અવારનવાર તેમના દેવી દેવતાઓના નામ વાહનો ઉપર લખાવતા હોય છે. હાલમાં વાહનો ઉપર રામાધણી અથવા તો સ્ટેટ ઓફ રામાધણી લખવાનો ટ્રેન્ડ ખુબ ચાલ્યો છે. આ ટ્રેન્ડની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ તે જાણવાનો ફેસ ઓફ નેશને પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે, ઉત્તર ગુજરાતના પાટણમાં મસ્તાની ગ્રુપ ચાલે છે. આ ગ્રુપને મસ્તાની ગેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મસ્તાની ગેંગના મુખ્ય કર્તાહર્તા બે ભાઈઓ હોવાનું સોશિયલ સાઈટો ઉપરના વીડિયોમાં દેખાય છે. આ બંને ભાઈઓમાં ભાર્ગવ ઝીલીયા અને ભાવેશ ઝીલીયાનો સમાવેશ થાય છે. આ બંને ભાઈઓના જુદા જુદા કલાકારો સાથે વિડીયો ફોટા સહિતના સ્ટેટસ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મસ્તાની ગેંગના તમામ લોકો પોતાના વાહન ઉપર સ્ટેટ ઓફ રામાધણી અથવા તો ફક્ત રામાધણી લખાવે છે.
“સ્ટેટ ઓફ રામાધણી”એ મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં લોકપ્રિય છે. ખાસ કરીને રામાપીર (રામદેવપીર)ના ભજન અને લોકગીતો સાથે જોડાયેલ એક લોકપ્રિય પદ છે, જે ‘રામાધણી સરકાર’ (રામદેવપીર)ના શાસન, શક્તિ અને તેમના ચમત્કારોનું વર્ણન કરે છે, અને આ પદ ભક્તિ તેમજ લોકસાહિત્યમાં રામદેવપીરના મહિમા ગાવા માટે વપરાય છે. જો કે, રામદેવપીર સાથે જોડાયેલું નામ “સ્ટેટ ઓફ રામધણી” હવે કેટલીક ગેંગ અને ગ્રુપોનું પ્રતીક બની રહ્યું છે. જે ગેંગ કે ગ્રુપ સાથે જોડાયેલા લોકો તેમના વાહનો ઉપર આ નામ લખાવે છે. જેનાથી તે વાહન આ ગેંગ કે ગ્રુપના સભ્યનું છે તેવું ચિત્ર દેખાય. આવી ગેંગો કે ગૃપોના કોઈ કાર્યક્રમો હોય તો આ તમામ વાહનો પણ તેમાં જોડાતા હોય છે. સોશિયલ સાઈટ ઉપર પાટણનું ભાવેશ અને ભાર્ગવ ઝિલીયાનું મસ્તાની ગ્રુપ અને મસ્તાની ગેંગ ખુબ વાયરલ છે. આ ગ્રુપ અને ગેંગનું પણ મુખ્ય સ્લોગન “સ્ટેટ ઓફ રામાધણી” છે.
ગુજરાત અને રાજસ્થાનમાં કેટલાક લોકો આસ્થા અને શ્રદ્ધાના ભાગરૂપે આ નામ તેમના વાહનો ઉપર લખાવે છે તો કેટલાક લોકો ગ્રુપ કે ગેંગ સાથે સંકળાયેલા હોવાનું દેખાડવા માટે થઈને આ નામનો સહારો લેતા હોય છે. આસ્થા અને શ્રદ્ધાથી કોઈ પણ દેવી દેવતાનું નામ લખાવવું ખોટું નથી પરંતુ કાયદો વ્યવસ્થાની સાથે દેવી દેવતાઓની મર્યાદા પણ જળવાઈ રહે તે જરૂરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

ભક્તો આનંદો ! : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના દાન-ધર્માદાના પૈસે લાલજીનું બાલીમાં “હનીમૂન” થયું ?