Home Politics પહેલગાંવ હુમલા સમયે મોદી સાઉદી અરેબિયા હતા અને આજે સાઉદીના વિદેશ મંત્રી...

પહેલગાંવ હુમલા સમયે મોદી સાઉદી અરેબિયા હતા અને આજે સાઉદીના વિદેશ મંત્રી પાકિસ્તાનમાં છે !

Face Of Nation 09-05-2025 : ભારતમાં જયારે પહેલગાંવમાં હુમલો થયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે હતા. તે જ સમયે અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે.ડી.વેન્સ ભારતની મુલાકાતે હતા. હવે, જયારે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે ત્યારે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પાકિસ્તાન પહોંચ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન મહમ્મદ શેહબાઝ શરીફે શુક્રવારે પીએમ હાઉસ ખાતે સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલ-જુબેરનું સ્વાગત કર્યું હતું અને દક્ષિણ એશિયાની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આશ્વર્યજનક બાબત એ છે કે, વિશ્વના મોટા દેશો હાલ ભારત અને પાકિસ્તાનના યુદ્ધ મામલે કશું કહેવા તૈયાર નથી તેવામાં સાઉદીના નેતા ભારત પાકિસ્તાનના યુદ્ધની વચ્ચે પાકિસ્તાનમાં પહોંચી જાય છે ! આ બધી રાજકીય પરિસ્થિતિ ઉપર પ્રશ્ન ઉભો થાય તે સ્વાભાવિક છે. પરંતુ તે પ્રશ્નનો જવાબ મળવો મુશ્કેલ છે. જો કે, આ બધા પરિબળો કોઈ મોટી રાજનીતિના સંકેત તરફ આંગળી કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે.
વિશ્વમાં કદાચ ક્યારેય ન બની હોય તેવી આતંકી ઘટના તારીખ 22 એપ્રિલ 2025ના રોજ પહેલગાંવમાં બને છે. આ દિવસે નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે હતા અને ભારતમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સ મુલાકાતે હતા. પહેલગાંવમાં ફરવા આવેલા લોકો ઉપર આતંકીઓ જાતિ પૂછીને ગોળીઓ ચલાવી 26થી વધુ લોકોનો જીવ લઇ લે છે. આ ઘટનાના 48 કલાકમાં જ અમિત શાહ ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચી જાય છે. સમગ્ર ઘટનાના પડઘા સમગ્ર વિશ્વમાં પડે છે અને સમગ્ર વિશ્વ આ મામલે જુદી જુદી પ્રતિક્રિયાઓ આપે છે. જેની વચ્ચે મોદી તેમનો સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફરે છે. મોદીના ભારત પરત ફરતાની સાથે જ બેઠકોનો દોર શરૂ થાય છે અને આ બેઠકો વચ્ચે જાહેરાત કરવામાં આવે છે કે, દેશમાં હવે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે.
ત્રણ દિવસ અગાઉ ભારતીય સેનાએ પાકિસ્તાનના તાબા હેઠળ રહેલા જમ્મુ-કાશ્મીરના વિસ્તારમાં હુમલો કરીને આતંકવાદીઓના 9 સ્થળોનો ખાત્મો બોલાવી દીધાનો દાવો કરે છે અને શરૂ થાય છે ભારત પાકિસ્તાનના યુદ્ધનો માહોલ. જો કે તારીખ 22 એપ્રિલથી લઈને આજદિન સુધી ભારતના કોઈ પણ સેનાના અધિકારીએ કે નેતાએ પહેલગાંવમાં હુમલો કરનારા આતંકીઓને માર્યા કે તેમની માહિતી મેળવી તે બાબતે કોઈ પણ પ્રકારની માહિતી જાહેર કરી નથી. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ચોક્કસ ઠેકાણા પર હુમલો કર્યો હોવાનું જાહેર કરવામાં આવે છે. આ સાથે એ વાતની જાહેરાત કરવામાં આવે છે કે, પાકિસ્તાનમાં એ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાંથી પહેલગાંવ હુમલાનું કાવતરું ઘડાયું હતું. આ ઓપરેશન લગભગ મોડી રાતે 1.30 વાગ્યાની આસપાસ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ કુલ 9 સ્થળો પર એકસાથે ભારતીય સેનાએ હુમલો કરી આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો હતો. લોકો એવી આશા રાખીને બેઠા હોય છે કે, પહેલગાંવમાં થયેલા હુમલાનો બદલો ભારત લે. જો કે થોડા સમય બાદ રાત્રે અચાનક જ ભારતની સેના પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરે છે. પાકિસ્તાન ભારતના વિમાનો તેમના દેશમાં ઘુસી જાય ત્યાં સુધી કેવી રીતે અજાણ હોય તે એક પ્રશ્ન વચ્ચે શરૂ થાય છે ભારત પાકિસ્તાનનું યુદ્ધ.
ભારત પાકિસ્તાનના યુદ્ધની શરૂઆત થતાની સાથે જ બીજી તરફ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી બહાર કાઢવાની રણનીતિ પણ શરૂ કરી દેવામાં આવે છે. તેમના સમર્થકો જેલ બહાર દેખાવ કરે છે અને માંગ કરે છે કે ઇમરાન ખાનને ફરીથી વડાપ્રધાન બનાવવામાં આવે. હાલ પાકિસ્તાનમાં એવી સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે કે, હાલના વડાપ્રધાન શહબાઝ શરીફ ભારતે કરેલા હુમલામાં વળતી કાર્યવાહી કરવા સક્ષમ રહ્યા નથી તેથી તેમને હટાવી ઇમરાન ખાનને વડાપ્રધાન બનાવવામાં આવે. રાજકીય તજજ્ઞોનું માનવું છે કે, જો ઇમરાન ખાન ફરીથી સત્તામાં આવશે તો ચોક્કસ ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનું પૂર્ણ વિરામ મુકાશે. આ વાતને એટલે સાચી માનવા ઉપર વિચાર કરી શકાય કે, હાલમાં કોઈ પણ દેશ ભારત પાકિસ્તાનના યુદ્ધ માટે બોલવા તૈયાર નથી. તેવામાં સમગ્ર વિશ્વની ચુપકીદી અને ભારત પાકિસ્તાનના યુદ્ધની સ્થિતિ ઘણી બધા રાજકીય પ્રશ્નો પેદા કરી રહ્યું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).