Home Uncategorized જે રાજ્યના ગૃહમંત્રીને બોલવાનું ભાન ન હોય તે રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ કેવી...

જે રાજ્યના ગૃહમંત્રીને બોલવાનું ભાન ન હોય તે રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ કેવી રીતે નીચું હોય ?

Face Of Nation 22-03-2025 : “વરઘોડાતો નીકળશે જ,. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો” જેવા અનેક નિવેદનો ગૃહમંત્રી હર્ષ સંઘવીની બાળકબુદ્ધીનું પ્રદર્શન કરે છે. ખરેખર ગૃહમંત્રીએ આવા નિવેદનો કરતા અસરકારક કામગીરી કરવાની તાતી જરૂરિયાત હોય છે. હર્ષ સંઘવીના આવા નિવેદન બાદ ઘણા ગુનેગારોએ ગુનાઓ કરીને જાણે કે સંઘવીને ગાલે જોરદાર સણસણતો તમાચો મારી દીધો કે, લો અમારું શું તોડી લેશો ? વરઘોડા કાઢશો ? છતાં અમે ગુના તો કરવાના જ. ગુનેગારોના વરઘોડા કાઢવા એ ગુનાખોરી ડામવાનું પગલું નથી. ખરેખર તો વરઘોડા કાઢીને ગુનેગારને મોટો કરવામાં આવે છે કેમ કે લોકોમાં તેને લઇ જઈને એવું બતાવવામાં આવે છે કે, આ લુખ્ખો છે, આ ડોન છે, આ ભાઈ છે. જેનાથી કોઈએ ડરવાની જરૂર નથી પરંતુ હકીકતમાં લોકો આવા લુખ્ખા, ડોન અને ભાઈથી ડરવા લાગે છે.
ગુજરાત રાજ્યમાં હાલ ગુનાખોરીનો ગ્રાફ એટલી હદે વધતો જઈ રહ્યો છે કે લોકો અસુરક્ષિત હોવાનું મહેસુસ કરી રહ્યા છે. રસ્તે જનારા લોકોને ખબર નથી કે ક્યારે માતેલા સાંઢની જેમ કોઈ કાર બેફામ બનીને અકસ્માતને નોતરું દેશે. ડ્રગ્સ થકી નશાખોરીના રવાડે ચઢેલું યુવાધન બરબાદ થઇ રહ્યું છે તેમ છતાં પોલીસ કે તંત્રની એવી કોઈ અસરકારક કામગીરી દેખાતી નથી કે જેનાથી ગુનેગારો ડરના માર્યા થથરે કે ગુનો કરતા પહેલા સો વાર વિચાર કરે. જો કે આ બધી આશાઓ ત્યારે રાખી શકાય જયારે રાજ્યની પોલીસ મજબૂત હોય અને તેમાંય ખાસ કરીને રાજ્યના ગૃહમંત્રી મજબૂત હોય. જે રાજ્યના ગૃહમંત્રીને જાહેરમાં શું બોલાય અને શું ન બોલાય તેનું પણ ભાન ન હોય તે રાજ્યમાં પ્રજા કેવી રીતે સુરક્ષિત હોવાનો અહેસાસ કરી શકે ? ઘણીવાર બોલવા કરતા કામગીરી કરવામાં વધુ શાણપટ્ટી રહેલી છે. પરંતુ આવી શાણપટ્ટી ગુજરાતના ગ્રહમંત્રીમાં નથી. ખરેખર હર્ષ સંઘવી ગૃહમંત્રી પદને લાયક નથી. આ વાત કડવી છે પણ સત્ય છે. જો હર્ષ સંઘવી કોઈ સામાન્ય પરિવારમાંથી આવતા તો આજે તેઓ ગૃહમંત્રી પદે ન હોત. હર્ષ સંઘવીની હજુ બાળકમાં ગણતરી થઇ જાય તેમ કહેવામાં કોઈ બે મત નથી. તેઓ તેમનો પાવર સાબિત કરવામાં સફળ થયા નથી. પરિણામે ગુનેગારો અને ગુંડાઓ બેફામ બનીને જાહેર રસ્તા ઉપર આવીને લોકોને તલવારો અને લાકડીઓ બતાવીને ડરાવી ધમકાવી કે માર મારીને તેમનું વર્ચસ્વ ઉભું કરી રહ્યા છે. ખરેખર જો પોલીસનો ડર આવા ગુંડાઓ કે ગુનેગારોને હોય તો તેઓ ગુનો કરતા સો વાર વિચાર કરશે.
હર્ષ સંઘવીએ અસરકારક કામગીરી અને પોલીસને છૂટો દોર આપવાને બદલે જાહેરમાં ફાંકાફોજદારી ભર્યા અને કેટલાક અંશે કહી શકાય તો બાળકબુદ્ધિ જેવા નિવેદનો કર્યા. જેમાં “વરઘોડાતો નીકળશે જ” નિવેદન ઘણું વાયરલ થયું. આ નિવેદન બાદ પણ રાજ્યમાં એવી મોટી ઘટનાઓ ઘટી જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું. હવે, વરઘોડા કાઢવાથી જો ગુનાખોરીનો ગ્રાફ નીચો જતો હોય તો કેમ, ગૃહમંત્રીના નિવેદન બાદ ગુનાખોરી અટકવાને બદલે વધતી રહી. ખરેખર નિવેદનો કરતા અસરકારક કામગીરી અત્યંત જરૂરી હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).