Home Uncategorized સરકારી અ”સુરો” સામે શક્તિનો વિજય : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ, જો કે, ભટ્ટજીની...

સરકારી અ”સુરો” સામે શક્તિનો વિજય : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ, જો કે, ભટ્ટજીની ગાદીએ મીઠાઈ મળશે

Face Of Nation 15-03-2023 : છેલ્લા ઘણા સમયથી ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ઉઠેલા અ”સુરો” ઉપર માં શક્તિનો વિજય થયો છે. પ્રસાદ બંધ કરવાના સરકારના સુર નો ભારે વિરોધ થતાં આખરે માતાજીને આ અ”સુર” ઉપર વિજય મેળવતા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવામાં આવ્યો છે. જો કે સરકારી પૂજારી બનેલા અને માતાજીની ભક્તિ બાજુમાં મૂકીને ભાજપની ભક્તિમાં તલ્લીન થઈને મોહનથાળને મીઠાઈ ગણાવતા અંબાજી મંદિરના ભટ્ટજીની ગાદીએ હવે મીઠાઈ જ વહેચાશે એટલે કોઈ ભક્તને માં પ્રસાદ એટલે કે મોહનથાળ જોઈએ તો મંદિર ટ્રસ્ટની ઓફિસમાંથી મેળવવો પડશે. વિવાદ સમયે સરકારમાં સારા થવા ભટ્ટજીએ એવું નિવેદન આપ્યું હતું કે, અંબાજીમાં મળતો મોહનથાળ એ એક મીઠાઈ છે.
શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદમાં ભક્તોની આસ્થાની જીત થઈ છે. મંદિર ટ્રસ્ટ સાથે બેઠક બાદ સરકારે જાહેરાત કરી છે કે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાશે. આ સાથે ચિક્કીનો પ્રસાદ પણ ચાલું રહેશે. મંદિરના વહીવટદારો સાથે સરકારની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ મોહનથાળની ક્વોલિટી સુધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. 3 માર્ચથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈને માઈભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. રાજ્યભરમાં જુદા જુદા સ્થળો પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. તેમાં પણ છેલ્લા પાંચ દિવસમાં પ્રસાદનો વિવાદ સતત વકરતા સરકાર એક્શનમાં આવી હતી. 3 દિવસ પહેલા મંદિરમાં મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં થાય તેમ કહેનારા મંત્રી ઋષિકેશ પટેલે આજે ખુદ જાહેરાત કરવી પડી કે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થશે. જોકે તેની ક્વોલિટીને વધુ સારી બનાવવામાં આવશે જેથી તે લાંબો સમય સુધી ટકી રહે.
સરકારે મોહનથાળ બંધ કર્યા બાદ અને ભક્તોના વિરોધ વચ્ચે અંબાજી મંદિરના પુજારીએ સરકારની જી હજુરી કરતા જણાવ્યું હતું કે, અંબાજી મંદિરમાં મોહનથાળએ પ્રસાદ નથી માત્ર મીઠાઈ છે. એટલે ભક્તોએ હવે જો પ્રસાદ મોહનથાળ લેવો હોય તો માત્ર મંદિર ટ્રસ્ટની ઓફિસમાંથી લેવો પડશે કેમ કે ભટ્ટજીના નિવેદન પ્રમાણે તેઓની ગાદીએ તો માત્ર મીઠાઈ જ વહેંચવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).