Face Of Nation 07-05-2025 : ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરીને પહેલગાંવ હુમલાનો બદલો લીધો છે. એક તરફ ભારતીય મીડિયા જાણે કે ઉન્માદમાં આવીને એટલો ઉત્સાહ દેખાડી રહ્યું છે કે જેટલો ઉત્સાહ હજુ સુધી ભાજપ કે ભાજપના કોઈ નેતાએ દેખાડ્યો નથી. પાકિસ્તાન એક પછી એક દાવાઓ કરી રહ્યું છે અને ભારતમાં મીડિયા ઉજવણીનો માહોલ ઉભું કરી રહ્યું છે. પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે, તેઓએ 5 ભારતીય જેટ તોડી પાડ્યા છે. ભારતીય સેનાએ સિયાલકોટ, કોટલી, બહવલપુર અને મુઝફ્ફરાબાદ સહિત છ સ્થળોએ મોડી રાત્રે કરેલા હુમલાના બદલામાં પાકિસ્તાને પાંચ ભારતીય જેટ વિમાનોને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે.
બુધવારે રાત્રે 1 વાગ્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી મુકાબલો ભારતીય હવાઈ હુમલાઓ સાથે શરૂ થયો હતો. ભારતે આ ઓપરેશનને “ઓપરેશન સિંદૂર” નામ આપ્યું છે. અહેવાલો સામે આવ્યા પછી તરત જ પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સે હવાઈ હુમલાઓની પુષ્ટિ કરી હતી. પાકિસ્તાને ઝડપી પ્રતિક્રિયા આપ્યા પછી માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરાર સવારે 2:45 વાગ્યે બે ભારતીય જેટ વિમાનોને તોડી પાડવાની પુષ્ટિ કરી હતી. ત્રીજા ભારતીય વિમાનની પુષ્ટિ પાકિસ્તાની ટીવી ચેનલ પીટીવી દ્વારા સવારે 3:42 વાગ્યે કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે: પાકિસ્તાની વાયુસેનાએ અવંતીપોરાથી 17 નોટિકલ માઇલ દક્ષિણપશ્ચિમમાં બીજા ભારતીય રાફેલ વિમાનને તોડી પાડ્યું હતું. પાકિસ્તાનના લશ્કરી પ્રવક્તાએ સવારે 4 વાગ્યાની આસપાસ પરિસ્થિતિનું અપડેટેડ અને નુકસાન મૂલ્યાંકન પૂરું પાડ્યું હતું, જેમાં 8 નાગરિકોના મોત થયા હોવાનો તેઓએ સ્વીકાર કર્યો હતો. ચોથા અને પાંચમા ભારતીય જેટને તોડી પાડવામાં આવ્યા હોવાની પુષ્ટિ પાકિસ્તાની સંરક્ષણ અને માહિતી પ્રધાન દ્વારા સવારે 5 વાગ્યે કરવામાં આવી હતી. પાકિસ્તાનના દાવાઓ સામે આ લખાય છે ત્યાં સુધી ભારતના કોઈ અધિકારી કે નેતાએ કોઈ પણ પ્રકારની માહિતી જાહેર કરી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).