Home News અમેરિકામાં રાજપુરના કેતન પટેલે ભારતમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહી લોકોને લાખ્ખો ડોલરનો...

અમેરિકામાં રાજપુરના કેતન પટેલે ભારતમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહી લોકોને લાખ્ખો ડોલરનો ચૂનો ચોપડ્યો !

Face Of Nation 10-12-2025 : અમેરિકામાં ભારતીયો એવા કાંડ કરી રહ્યા છે કે, જેનાથી ખુદ અમેરિકન પ્રજા ત્રસ્ત બની ગઈ છે. અત્યાર સુધી અમેરિકન પ્રજા સાથે છેતરપિંડી કરીને માલામાલ બનવાના અભરખા રાખનારા ભારતીયોએ હવે ખુદ ભારતીયોને જ ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું છે. ભારતમાં પોતે મોટા બિઝનેશનમેન હોવાના દેખાવડા કરનારા લોકો અમેરિકામાં અનેક લોકોનું કરી નાખીને જલસા કરતા હોવાના અનેક કિસ્સાઓ છે. જેમાંથી એક કિસ્સો છે રાજપુરના કેતન પટેલનો. ગુજરાતના રાજપુરના કેતન પટેલે અમેરિકામાં રીતસરનો ત્રાસ વર્તાવ્યો છે. આ નફ્ફટ વ્યક્તિએ અમેરિકામાં કાળી મજૂરી કરનારા લોકો તથા દેવાદાર લોકોને ટાર્ગેટ બનાવીને ભારતમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહીને મોટી રકમો પડાવી લીધી છે. જો કે, પૈસા આપનાર અમેરિકામાં ગેરકાયદે હોવાથી તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા આગળ આવી રહ્યા નથી.
અમેરિકામાં બોર્ડર ક્રોસ કરીને ગયા હોય અને ભારતમાં દેવું હોય તેવા લોકોને શોધવા અને તેવા લોકોને શિકાર બનાવવા માટે રાજપુરના કેતન પટેલે એક મોડ્સ ઓપરેન્ડી ઘડી કાઢી. કેતને આવા લોકોને વિશ્વાસમાં લઈને તેના ભારતમાં ખુબ મોટા સંપર્કો અને ધંધા હોવાનું કહીને પૈસા ટ્રાન્સફર કરવાનું કહીને લોકો પાસેથી મોટી રકમોના ડોલરો પડાવી લીધા છે. આ કરુભગતે લોકોના પૈસા લઈને ગાડી, બંગલો બનાવી તાગડધિન્ના કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. કેતનની છેતરપિંડીનો ભોગ બનેલા અનેક લોકો છે અને આ તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે, “કેતનને કુદરત પરચો બતાવે કેમ કે અમારી મહેનતની કમાણીના પૈસા છે.”
કેતનના ભોગ બનેલા જ્યોર્જિયાના મેકનના એક વ્યક્તિએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, મારી પાસે આ વ્યક્તિએ 20,000 ડોલર ભારતમાં ટ્રાન્સફર કરવાનું કહીને વિશ્વાસ કેળવી લઇ લીધા હતા અને ત્યારબાદ તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે. સાઉથ કેરોલિનાના અન્ય એક વ્યક્તિએ પણ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, કેતન પટેલે મારી પાસેથી 6 હજાર ડોલર ટ્રાન્સફર કરવાનું કહીને મેળવી લીધા હતા જે આજદિન સુધી પરત આપ્યા નથી કે ભારતમાં ટ્રાન્સફર કર્યા નથી. અમેરિકાના જ્યોર્જિયા અને જ્યોર્જિયા આસપાસના રાજ્યોમાં અનેક લોકોને કેતન પટેલે ટાર્ગેટ કર્યા છે અને મોટી રકમો પડાવીને બેસી ગયો છે. હાલમાં આ વ્યક્તિ પાસેથી પૈસા પરત મેળવવા ભોગ બનનારા મરણીયા પ્રયાસો કરી રહ્યા છે અને નફ્ફટ કેતન પટેલ જલસા કરી રહ્યો છે. ભોગ બનનારાઓને આશા છે કે, અમે નહિ તો કુદરત એક દિવસ આ વ્યક્તિ પાસેથી અમારા પૈસા વ્યાજ સહીત વસૂલશે. અમેરિકામાં લોકોને ન્યાય મળે છે પણ રોકડા પૈસા આપ્યા હોવાનો કોઈ પુરાવો ન હોવાથી આવા લુખ્ખા નફ્ફટો વિરુદ્ધ ભોગ બનનારાઓ કશું કરી શકતા નથી. જેથી તેઓ લાચારી અનુભવે છે અને આખરે ન્યાય કુદરતની કોર્ટમાં મળે તેવી આશા વ્યક્ત કરે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).