Face Of Nation 05-05-2025 : આજે અમે સત્તાને એક એવો સવાલ કરી રહ્યા છીએ જેનો જવાબ મળવો મુશ્કેલ છે. જે આજદિન સુધી કોઈ મીડિયાએ કે પત્રકારે કર્યો નથી. ભાજપના નરેન્દ્ર મોદી અને અમિત શાહને રાજકારણના અઠંગ ખેલાડી માનવામાં આવે છે. એ વાત જગજાહેર છે કે, આ બંનેની જોડી એવી માસ્ટર માઈન્ડ જોડી છે કે, જે આફતને પણ અવસરમાં પરિવર્તિત કરીને તેને વોટમાં કેવી રીતે બદલી નાંખવી તે બખૂબી જાણે છે. ગમે તેવા રાજકીય સમીકરણોને ઊંધા પાડીને તેમનું ગણિત પાર પાડવાની રાજકીય ક્ષમતા આ નેતાઓ ધરાવે છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. તાજેતરમાં એક એવી આશ્ચર્યચકિત ઘટના બની છે તેની ઉપર કોઈએ સવાલ કરવાની હિંમત કરી નથી. 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં આતંકી હુમલો થાય છે અને આ ઘટનાના 5 થી 6 દિવસમાં જ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવે છે. પહેલગામની ઘટના અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિર્ણયને લઈને ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. જેના જવાબો મળવા ચોક્કસ મુશ્કેલ છે.
વિશ્વમાં ક્યારેય ન બની હોય તેવી આતંકી ઘટના તારીખ 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં બને છે. અહીં ફરવા આવેલા લોકો ઉપર આતંકીઓ જાતિ પૂછીને ગોળીઓ ચલાવી 26થી વધુ લોકોનો જીવ લઇ લે છે. આ ઘટનાના 48 કલાકમાં જ અમિત શાહ ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચી જાય છે. અહીં સવાલ એ થાય છે કે, જે સ્થળ 48 કલાક પહેલા આતંકી હુમલાથી ભયયુક્ત હતું, પ્રજા માટે અસુરક્ષિત હતું તે 48 કલાક બાદ ભયમુક્ત અને સુરક્ષિત કેવી રીતે બની જાય છે ? કેમ કે સામાન્ય રીતે કોઈ પણ ઝેડ પલ્સ સિક્યોરિટીના નેતાને ભયયુક્ત કે અસુરક્ષિત વિસ્તારમાં જવા દેવામાં આવતા નથી. તેવામાં અમિત શાહને કેવી રીતે સુરક્ષા એજન્સીઓએ 48 કલાકમાં જ એ સ્થળની મુલાકાત કરવાની પરવાનગી આપી દીધી જ્યાં આતંકી હુમલો થયો હતો અને તે આતંકીઓ હજુ સુધી પકડાયા નહોતા કે માર્યા ગયા નહોતા. આ આતંકીઓને આજદિન સુધી શોધી શકાયા નથી કે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો નથી. આ અગાઉ પણ થયેલી આતંકી ઘટનાઓમાં કદાચ ક્યારેય ભાજપના કોઈ નેતા 48 કલાકમાં ઘટના સ્થળની મુલાકાત કરવા પહોંચ્યા નથી.
સમગ્ર ઘટનાના પડઘા સમગ્ર વિશ્વમાં પડે છે અને સમગ્ર વિશ્વ આ મામલે જુદી જુદી પ્રતિક્રિયાઓ આપે છે. જેની વચ્ચે મોદી તેમનો સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફરે છે. મોદીના આગમનની સાથે જ એરપોર્ટ ઉપરથી બેઠકોનો દૌર શરૂ થાય છે. જે આજદિન સુધી ચાલી રહ્યો છે. ભારતવાસીઓમાં આક્રોશ છે અને મોદીની દરેક મિટિંગો બાદ દેશવાસીઓ એવી આશા રાખે છે કે, હવે ભારત પાકિસ્તાન ઉપર એટેક કરશે અને પહેલગાંવ હુમલાનો બદલો લેશે. જે સરકારના ગૃહમંત્રી ઘટના સ્થળે 48 કલાકમાં પહોંચી જાય છે તે સરકાર 10 દિવસ બાદ પણ કોઈ અસરકારક કાર્યવાહી કરી શકતી નથી કે જેની પ્રજા આતુરતા પૂર્વક રાહ જોઈને બેઠી છે. ખેર ! મિટિંગો ચાલે છે અને બાદમાં જાણે કે “વાઘ આયો વાઘ આયો કહીને કોથળામાંથી માત્ર બિલાડી કાઢવા” જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે તેમ જાહેરાત કરવામાં આવે છે કે, દેશમાં હવે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. જે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ વિરોધ પક્ષ કોંગ્રેસ કરી રહ્યું હતું અને સત્તા પક્ષ ભાજપ વિરોધ કરી રહ્યું હતું તે જ જાતિ આધારિત વસ્તીગણતરીને સત્તાધારી ભાજપ પક્ષ પહેલગાંવ હુમલાના ગણતરીના દિવસોમાં જ જાહેર કરે છે. આ સમગ્ર ઘટનાક્રમ ચોક્કસ આશ્વર્ય ઉભું કરે છે.
વિશ્વમાં કદાચ આ એવી પહેલી આતંકી હુમલાની ઘટના છે કે જેમાં આતંકીઓએ જાતિ પૂછીને હિંદુઓ ઉપર હુમલો કરીને તેમનો જીવ લીધો. ત્યારબાદ ભારતના વડાપ્રધાન અને ગૃહમંત્રી જુદી જુદી બેઠકો કરે છે. આ બેઠકોથી દેશવાસીઓને એવું લાગે છે કે, મોદી હવે પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ કરશે અથવા તો કોઈ મોટી કાર્યવાહી કરશે. ભાજપ સરકાર તાત્કાલિક સર્વપક્ષીય બેઠક પણ બોલાવે છે. આ બેઠક બાદ પણ લોકોને એવું લાગે છે કે ખરેખર મોદી કોઈ મોટો બદલો લેવાનું આયોજન કરી રહ્યા છે. જો કે આશ્વર્યની વાત એ છે કે, સરકારે આ મામલે આતંકીઓ વિરુદ્ધ પગલાં ભરવાને બદલે એવી જાહેરાત કરે છે કે, હવે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થશે. બીજી બાજુ સરહદ ઉપર પાકિસ્તાની સેના અવારનવાર યુદ્ધ વિરામનો ભંગ કરીને ફાયરિંગ કરી રહી હોવાના અહેવાલો આવે છે તેમ છતાં ભારતીય સેનાની જવાબી કાર્યવાહીના કોઈ અહેવાલો જાહેર થતા નથી. સમગ્ર વિશ્વની નજર ભારત ઉપર છે કે, શું ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરશે કે નહિ ? આ સવાલનો જવાબ હાલ મળવો ખુબ મુશ્કેલ છે કેમ કે સત્તાના સિંહાસને મીડિયાના “વિશ્વગુરુ” બિરાજમાન છે. આ તમામ બાબતો વચ્ચે સવાલ એ પણ છે કે શું હિન્દુ આજે પણ ખતરામાં છે ? જે હિન્દુ 2002 પહેલા પણ ખતરામાં હતો તે હિન્દુ હજુ પણ ખતરામાં જ કેમ છે ?? હંમેશા એ જ વાત કેમ આવે છે કે, હિન્દુ ખતરામાં છે કેમ કે તેનાથી રાજકારણીઓને ફાયદો થાય છે ? અને હિન્દુ ખતરામાં જ રહેવા માંગે છે ??આ સવાલ ઉભો કરવા બદલ પણ ભાજપ માટે કે ભાજપના સમર્થકો માટે સવાલ કરનાર દેશદ્રોહી બની જશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).