Home Uncategorized ડિજિટલ એરેસ્ટના નામે ગુજરાત બાનમાં ! : પોલીસ અને એજન્સીઓ નિષ્ફ્ળ, ગુજરાતમાં...

ડિજિટલ એરેસ્ટના નામે ગુજરાત બાનમાં ! : પોલીસ અને એજન્સીઓ નિષ્ફ્ળ, ગુજરાતમાં એજન્ટો એક્ટિવ

Face Of Nation 30-01-2026 : હાલ સમગ્ર ગુજરાતમાં અનેક લોકોના મોબાઈલ ઉપર પોલીસ, આરટીઓ, સીઆઇડી સહીત અન્ય એજન્સીઓના નામે ફોન કોલ્સ અને વોટ્સએપ મેસેજો આવી રહ્યા છે. જેનો રીપ્લાય કરતાની સાથે જ જે તે વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે. ડિજિટલ એરેસ્ટ એટલે તપાસના નામે જે તે વ્યક્તિને વિડીયો કોલ થકી ગોંધી રાખી તેની ઉપર નજર રાખવી અને અંતે તેની પાસેથી પૈસા પડાવવા. આ ડિજિટલ એરેસ્ટનો મુખ્ય ધ્યેય પૈસા પડાવવાનો હોય છે. આ સમગ્ર કાંડમાં ભારત બહારથી લોકો જોડાયેલા છે જેમાં પાકિસ્તાન અને ગલ્ફ દેશોના લોકોનો સમાવેશ થાય છે. હજુ સુધી આ બાબતે ગુજરાતની પોલીસ કે એજન્સીઓ આ મામલે કોઈને ઝડપી શકી નથી કે આ બાબતનો ખુલાસો પણ કરી શક્યું નથી. ડિજિટલ એરેસ્ટના નામે રીતસર ગુજરાત બાનમાં લેવામાં આવ્યું હોય તેવું ચિત્ર ઉભું થયું છે. એક પછી એક અનેક લોકોને ફોન કોલ્સ અને વોટ્સએપ મેસેજીસ આવી રહ્યા છે. આ કાંડનો ભોગ ખુદ સરકારી અધિકારીઓથી માંડીને ભાજપના ધારાસભ્ય સહીત કેટલાક પત્રકારો પણ બની ચુક્યા છે છતાં આ મામલે કોઈ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં સાયબર ફ્રોડ, ન્યૂડ કોલ ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના નામે લોકો સાથે લૂંટ મચાવાઈ રહી છે. સરકાર અને પોલીસ દ્વારા લોકોને સજાગ રહેવા અને સાવચેતી માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ સુધી આ મામલે કોઈને પકડવામાં આવ્યા નથી કેમ કે આ લોકો મુખ્યત્વે અન્ય દેશોમાંથી સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા છે. જેમાં પાકિસ્તાન પણ સામેલ છે. એક ફોન કોલ્સમાં ધમકી અને ત્યાર બાદ વીડિયો કોલ કરવામાં આવે છે. લોકોને ડરામણી ધમકીઓ આપીને ઘરમાં જ ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ તેને ફોન કરીને ગંભીર ગુનો આચર્યો હોવાની માહિતી આપીને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. સામેથી વીડિયો કોલ કરનારો આરોપી ધમકીઓ આપે છે અને ત્યાર બાદ પોતાની માગ રજૂ કરે છે. જો આ માગ પૂરી નહીં કરાય તો ધરપકડ કરવાની અથવા તો ગુપ્ત તસ્વીરો વાયરલ કરવાની ધમકીઓ આપે છે. આરોપી સામે વાળાને બદનામી અને ગુનાખોરીમાં સંડોવણીનો ડર બતાવે છે. ત્યાર બાદ આરોપી પોતાની મોં માગી રકમ પડાવે છે. આ સમગ્ર કાંડ માત્ર ભારત બહારના લોકોથી જ શક્ય નથી જેથી તેમાં ગુજરાત સહીત ભારતના અનેક લોકો સંડોવાયેલા હોવાની પ્રબળ શંકા છે.
પ્રથમ સ્થાનિક વ્યક્તિ ડેટા એકત્રિત કરે છે
આ સમગ્ર કૌભાંડનું એક રેકેટ ચાલે છે. જેમાં ભારતમાં જુદા જુદા રાજ્યોમાં રહેલા લોકો સામેલ છે. આ લોકો પૈસાની લાલચે સોશિયલ સાઈટો થકી જે તે વ્યક્તિનો ડેટા બહારના દેશમાં બેઠેલા લોકોને મોકલી આપે છે. આ ડેટા બદલ તેમને કેટલીક રકમ ચુકવવામાં આવે છે અથવા તો ભાગ નક્કી કરવામાં આવે છે. મુખ્યત્વે આ પ્રકારના કૌભાંડોનું એપી સેન્ટર દિલ્હી અને મુંબઈ છે. જોકે આ સમગ્ર તપાસ ગાંધીનગરના ઇન્ફો સિટીથી શરૂ કરવામાં આવે તો પણ અનેક સનસનીખેજ માહિતીઓ પ્રકાશમાં આવે તેમ છે. કેમ કે, ગાંધીનગર ઇન્ફો સીટી સહીત ગુજરાતમાં ઘણા કોલ સેન્ટરો ધમધમી રહ્યા છે જે આ જ પ્રકારની પ્રવૃત્તિઓ વિદેશમાં રહેલા નાગરિકો સાથે કરે છે અને આ જ લોકો ડેટાની આપ લે કરતા હોવાની શંકા છે. પોલીસ આ મામલે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી શકી નથી.
ગુજરાતમાં ઘણા લોકો એક્ટિવ : પોલીસને ચેલેન્જ
ગુજરાતમાં એવા ઘણા લોકો એક્ટિવ છે કે જેઓ આ તમામ પ્રકારના કૌભાંડોના તાર સાથે સંકળાયેલા છે. આ લોકો વિદેશીઓના એકાઉન્ટમાંથી પૈસા કાઢવાથી લઈને વિદેશી લોકોના ક્રેડિટ કાર્ડ ઉપર સોનાની ખરીદી કરવાના કૌભાંડમાં જોડાયેલા છે. અમદાવાદમાં આવા ઘણા લોકો એક્ટિવ છે અને પોલીસ જો બાતમીદારોનો સહારો લઈને આવા લોકોની પુછપરછ કે તપાસ કરે તો અનેક ચોંકાવનારી માહિતીઓ પ્રકાશમાં આવે તેમ છે. આ કૌભાંડમાં મુખ્યત્વે લઘુમતી કોમના લોકો જોડાયેલા હોય છે અને તેઓના સંપર્કો પાકિસ્તાન સહીત અનેક ગલ્ફ દેશો સાથે હોય છે. આ લોકો ડેટાનો સપ્લાય કરીને દેશ બહાર રહેલા લોકોને સમગ્ર કાંડમાં જરૂરી ડોક્યુમેન્ટ પુરા પાડે છે. જેવી રીતે વિદેશી કોલ સેન્ટરનું કૌભાંડ વિદેશથી મળતી લીડના આધારે ચાલતું હતું તે જ રીતે આ સમગ્ર કૌભાંડ ગુજરાત સહીત અન્ય રાજ્યોમાંથી આપવામાં આવતી લીડના આધારે ધમધમી રહ્યું છે. હવે આ લીડ કોના થકી કેવી રીતે બહાર જઈ રહી છે તે સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવે તો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે.
ભારતમાંથી કૌભાંડ માટે મુખ્યત્વે “ટેલિગ્રામ”નો ઉપયોગ
ભારતમાંથી મોટાભાગના લોકો આ કૌભાંડમાં પૈસાની લાલચે સંડોવાયેલા છે. જેઓ મુખ્યત્વે ટેલિગ્રામ નામની સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરે છે. આ સોશિયલ સાઇટ્સમાં ઘણી બધી છટકબારીઓ છે, જેને લીધે તે કૌભાંડીઓમાં હોટ ફેવરિટ છે. બોગસ બીટકોઈન કૌભાંડથી લઈને અમેરિકાનું કોલ સેન્ટર કૌભાંડ સહિતના મોટાભાગના કૌભાંડોમાં વાતચીત માટે ટેલિગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે. જેના થકી એકબીજા દેશના કૌભાંડી એજન્ટો સંપર્ક ધરાવે છે. ગુજરાત સહીત અનેક રાજ્યોમાં આવા એજન્ટો સક્રિય છે જેમને પકડવા પોલીસ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે કેમ કે આ કૌભાંડીઓ આઇટીના ભેજાબાજ છે જેઓને સરળતાથી ટ્રેસ કરી શકાતા નથી. આ લોકોને પકડવા માટે પોલીસે એજન્ટ બનીને આ સમગ્ર કૌભાંડમાં ઘૂસીને પર્દાફાશ કરવો પડે તેમ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).