Home Religion રાત્રે ગામમાં સભા અને સવારે રેલી; બનાસકાંઠાનાં 125 ગામના 25 હજારથી વધુ...

રાત્રે ગામમાં સભા અને સવારે રેલી; બનાસકાંઠાનાં 125 ગામના 25 હજારથી વધુ ખેડૂતોએ પાણી મુદ્દે શરૂ કર્યું ‘જળ આંદોલન’, પાલનપુરમાં ખેડૂતોની રેલી!

Face Of Nation 26-05-2022 : વડગામ તાલુકાનું કરમાવદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી ભરવાની માંગને લઈને આજે કિસાન સંઘનાં નેજા હેઠળ હજારોની સંખ્યામાં ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી કરમાવદ તળાવમાં પાણી ભરવાની માંગ કરી રહ્યા હતા. જોકે, આ માંગણી ન સંતોષાતા આખરે ખેડૂતોએ જળ આંદોલનનો રસ્તો અપનાવ્યો હતો. આજે 125 ગામના 25 હજારથી વધુ ખેડૂતોએ ટ્રેક્ટર સાથે પાલનપુર શહેરમાં મહારેલી યોજી હતી. ખેડૂતોએ પાલનપુરની આદર્શ હાઈસ્કૂલથી કલેક્ટર કચેરી સુધી બે કિલોમીટરની રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપી તળાવ ભરવાની માગ કરી હતી.
રાત્રિ સભાઓ યોજી રેલીમાં જોડાવા ખેડૂતોને આહવાન
આ તળાવ ભરવાની માગ છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહી હતી, પરંતુ આ માગ આજદીન સુધી ન સંતોષાતા એક માસ અગાઉ કરમાવદ તળાવમાં કળશ પૂજન કરી અને ખેડૂતોએ જળ આંદોલનના મંડાણ કર્યા હતા. આ દરમિયાન વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામડાઓમાં રાત્રી સમર્થન સભાઓ યોજી અને ખેડૂતોને રેલીમાં જોડાવા માટે આહવાન કરાયું હતું. ત્યારે આજે 125 ગામના 25 હજાર જેટલા ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર પહોંચી અને પાલનપુર આદર્શ હાઇસ્કુલથી કલેક્ટર કચેરી સુધી બે કિલોમીટરની મહારેલી યોજી હતી. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તળાવમાં પાણી ભરવાની રજૂઆત કરી હતી.
છેલ્લાં 25 વર્ષથી ખેડૂતો કરી માગ કરી રહ્યા છે
ખેડૂતો છેલ્લા 25 વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની માગ કરી રહ્યા છે. જોકે, આજદીન સુધી આ માગ ન સંતોષાતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર અને વડગામ તાલુકામાં પાણીની સમસ્યા વિકટ છે, ત્યારે પાલનપુર અને વડગામ તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળી રહે એ હેતુથી છેલ્લા 25 વર્ષથી વડગામ તાલુકાનું કરમાવદ તળાવ ભરવાની માગ ખેડૂતો કરી રહ્યા છે.
કલેક્ટર ખેડૂતોની માગણી સરકાર સુધી પહોંચાડશે
ખેડૂતોની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટરે ખેડૂતોને બાંહેધરી આપી હતી. કરમાવદ તળાવમાં પાણી ભરાય તે માટે તમામ પ્રયત્નોની કલેક્ટરે ખાતરી પણ આપી હતી. કરમાવદ તળાવમાં પાણી ભરવા માટે ફોરેસ્ટ વિભાગની તાંત્રિક મંજૂરીની પણ જરૂર પડતી હોય છે ત્યારે કલેક્ટર ખેડૂતોની માગણી સરકાર સુધી પહોંચાડશે અને ખેડૂતોના હિતમાં નિર્ણય આવે તેવા પ્રયત્નો કરાશે.
મહારેલી અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું
છેલ્લા એક માસથી જળ આંદોલન માટે ખેડૂતોએ ગામેગામ સભાઓ યોજી હતી. ત્યારે આજે ખેડૂતોના જળ આંદોલનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. આજે અંદાજે 25 હજાર જેટલા ખેડૂતોએ મહારેલીમાં જોડાઈ અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે. આ બાબતે જિલ્લા કલેક્ટરે પણ ખેડૂતોના પાણીના પ્રશ્નને લઇ સરકાર સુધી રજૂઆત પહોંચાડી તમામ પ્રયત્નો ની ખાતરી આપી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).