Face Of Nation 16-05-2025 : પ્રજા ભલે એમ માને કે ભાજપ અને ભાજપના નેતાઓ હિંમતવાન છે પરંતુ સત્ય હકીકત જુદી જ છે. ભાજપ અને ભાજપના સત્તાધીશો એટલા ડરપોક છે કે જો તેમની વિરૃધ્ધ કોઈ બોલે કે પત્રકારો લખે તો તેની ઉપર સત્તાનો દુરુપયોગ કરીને ખોટા કેસો ઉભા કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે. હમેશાં પ્રજા માટે સત્તાને સવાલ કરવાની અને સત્તાનો પ્રજાના હિતની કામગીરીનો અરીસો દેખાડનાર ગુજરાત સમાચાર ઉપર ઈડીએ દરોડા પાડયા છે. દરોડા બાદ ઈડીએ ગુજરાત સમાચાર અખબારના માલિકની ધરપકડ કરી છે. હાલમાં બાહુબલી શાહને જામીન હેઠળ મુક્ત કરવામાં આવ્યા છે.
સત્તાને હંમેશા સવાલ કરવાનો જેનો નિયમ રહ્યો છે તેવા ગુજરાત સમાચાર અખબાર ઉપર રાજકીય ઈશારે ઇડી અને ઈન્કમટેકસ દરોડા પાડે છે. ગુજરાતના જ એક અન્ય અખબારના સમાચાર મુજબ 500થી વધુ અધિકારીઓ આ દરોડામાં જોડાય છે અને અંતે માલિક બાહુબલી શાહની ધરપકડ કરવામાં આવે છે. હાલની ડરપોક ભાજપ સરકારની એ રણનીતિ જ રહી છે કે, જે વિરુદ્ધમાં બોલે કે જે સવાલ કરે તેની ઉપર આક્રમણ કરીને દબાવી દેવાનો. શામ, દામ અને દંડનો ઉપયોગ કરીને કેવી રીતે સત્તા સામે ઉઠતા અવાજને દબાવી દેવો તે રાજકીય ભેજું ભાજપના નેતાઓના રાજકારણમાં છે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
ગુજરાતના અગ્રણી મીડિયા સમૂહ ગુજરાત સમાચારના માલિકોમાના એક બાહુબલી શાહની બે દિવસ અગાઉ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ગુજરાત સમાચાર જુથ ઉપર ઈન્કમટેકસના દરોડા બે દિવસ ચાલ્યા હતાં અને ગઈકાલે સાંજે ઈન્કમ ટેકસની તપાસ પુરી થતાં જ ઈડીની એન્ટ્રી થઈ હતી અને કલાકોમાં જ બાહુબલી શાહની અટકાયત કરવામાં આવી હતી. બાહુબલી શાહની ઈડીએ અકાયત કર્યા બાદ તેમને મેડીકલ ચેકઅપ માટે વી.એસ. હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જ્યાં તેમણે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતાં ઝાયડસ હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવાયા હતાં. અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાત સમાચાર 1932માં સ્થાપિત થયું હતું. જે હાલ બાહુબલી શાહ અને તેમના ભાઈ શ્રેયાંશ શાહ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે.
ગુજરાત સમાચાર ઉપર દરોડાની કાર્યવાહી અને માલિકોની ધરપકડ પાછળનું સાચું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિરુદ્ધ અખબારમાં લખાયેલ ટીકાત્મક લેખન છે. આ ગુજરાતી અખબાર હંમેશા સત્તા સામે પ્રજા માટે અને પ્રજાના હિતને લઈને ઉભું રહ્યું છે. પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ. જોકે, તાજેતરના ભારત-પાકિસ્તાન વિવાદમાં ભાજપ સરકાર અને પીએમ મોદીને અરીસો બતાવવાથી મોદીએ તેમના મનપસંદ હથિયાર બહાર કાઢ્યા છે. આવકવેરા (IT) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુજરાત સમાચાર અને તેની ટેલિવિઝન ચેનલ GSTv ઉપરાંત અન્ય વ્યવસાયિક સંસ્થાઓ પર હુમલો કર્યો છે.
ગુજરાતમાં મોટાભાગના પત્રકારો અને ચેનલ કે છાપાઓના માલિકોએ ભગવો ધારણ કરી લીધો છે. તેઓ ભાજપની ભક્તિમાં તલ્લીન છે. આ લોકો ભાજપના નેતા માખી મારે તો હાથી માર્યો હોવાનું ચિત્ર પ્રજા સમક્ષ ઉભું કરીને ભાજપની વાહવાહી કરી સત્તાને શરણે પડ્યા છે. કેટલાક બાહોશ અને સત્તાને સવાલ કરનારા પત્રકારો છે જેમને ઘણું બધું ભોગવવું પડી રહ્યું છે. ડરપોક મોદી સરકારની સત્તા આવા પત્રકારોને પોલીસ, ઇડી અને અન્ય સરકારી એજન્સીઓ મારફતે દબાવવાના ભારે પ્રયાસો કરી રહી છે જેથી કરીને આવા લોકો પણ સત્તાને શરણે થઇ જાય.
ભારત કે ગુજરાતનો પત્રકાર એટલો માયકાંગલો નથી કે સત્તાના ગમે તેવા ત્રાસ સામે તે ઝૂકી જાય પણ નમાલી સત્તા અને સત્તાધીશો પત્રકારના પરિવારને હાથો બનાવીને પત્રકાર ઉપર વાર કરવામાં માહેર બની ગઈ છે અને ગમે તેવો ધુરંધર વ્યક્તિ કેમ ન હોય, જો તેના પરિવાર ઉપર ત્રાસ ગુજારવામાં આવે તો તે શરણાગતિ સ્વીકારી લેવામાં ક્યારેય પાછી પાની કરતો નથી. એવું જ કંઈક ગુજરાત સમાચાર સાથે હાલમાં થયું. થોડા સમય અગાઉ જ ગુજરાત સમાચારના માલિક શ્રેયાંસભાઈ શાહના પત્નીનું નિધન થયું છે હજુ તો તેમનો પરિવાર આ આઘાતમાંથી બહાર નીકળ્યો પણ નથી ત્યાં ઇડી અને ઈન્કમટેકસે રેડ કરીને માલિક શ્રેયાંસભાઈ શાહના ભાઈ બાહુબલીભાઈ શાહની અટકાયત કરીને પરિવાર ઉપર ઘા કર્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).