Face Of Nation 13-05-2025 : ભારત પાકિસ્તાનના યુદ્ધની શરૂઆતમાં સદંતર દૂર રહેનારા અમેરિકાએ અચાનક જ બંને દેશો વચ્ચે આખી રાત વાતચીત કરીને બીજા દિવસે યુદ્ધ અટકાવવાની જાહેરાત કરી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત સાથે જણાવ્યું કે, “અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું છે, સ્થાયી સીઝફાયર. જેનાથી મોટા પ્રમાણમાં પરમાણુ હથિયારો ધરાવતા બંને દેશો વચ્ચે ખતરનાક સંઘર્ષ અટકી ગયો”. ટ્રમ્પના આ નિવેદન બાદ પાકિસ્તાની પીએમ દેશને સંબોધતા જણાવે છે કે, “અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વ અને પ્રદેશમાં શાંતિને પ્રોત્સાહન આપવામાં સક્રિય ભૂમિકા બદલ આભાર માનીએ છીએ. પાકિસ્તાન આ પરિણામને સરળ બનાવવા બદલ યુનાઇટેડ સ્ટેટ્સની પ્રશંસા કરે છે, જેને અમે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાના હિતમાં સ્વીકાર્યું છે.” ત્યારબાદ છેલ્લે ભારતના વડાપ્રધાન દેશને સંબોધન કરે છે અને ખાસ ભાર મૂકીને જણાવે છે કે, “હવેથી આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ અપાશે, ન્યુક્લિયર બ્લેકમેલ સાંખી નહીં લેવાય.” અહીં એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે, ભારતે પાકિસ્તાનને ન્યુક્લિઅરની ધમકી કે કાર્યવાહી કરવાનો દેખાવ કે બ્લેકમેલ કર્યું નથી પણ પાકિસ્તાને ભારત ઉપર ન્યુક્લિઅર એટેક કરવાની તૈયારી કે વિચાર કર્યો હશે કે બ્લેકમેલ કર્યું હશે જેની માહિતી અમેરિકા સુધી પહોંચી અને અમેરિકાએ તાત્કાલિક આ બંને દેશો વચ્ચે મધ્યસ્થી થઈને યુદ્ધ વિરામ કરવાનો આદેશ કર્યો હોવાની અટકળો તેજ બની રહી છે. ભારત એક શક્તિશાળી દેશ છે, છતાં આજે તેને વિશ્વસત્તાના આદેશથી ઝુકવુ પડ્યું છે. મોદી બેફામ વાણી વિલાસ કરનાર મુખ્યમંત્રી હતા પણ આજે જયારે એવું લાગે છે કે, તેઓ વડાપ્રધાન બન્યા છે ત્યારે ખબર પડે છે કે, મુખ્યમંત્રી પદે રહીને વડાપ્રધાન સામે આક્ષેપ કરવા જેટલું સહેલું નથી વડાપ્રધાન બનીને કાર્ય કરવું.
ભારત અને પાકિસ્તાન યુદ્ધથી દૂર રહેનારા અમેરિકાએ અચાનક જ બંને વચ્ચે મધ્યસ્થી કરીને યુદ્ધને બંધ કરવાના આદેશ આપી દીધા હતા. જો કે, તમામ પાસાઓ જોઈએ તો, પાકિસ્તાન ભારત ઉપર પરમાણુ યુદ્ધ કરવાનું હતું જેની ગંધ અમેરિકાના ગુપ્તચર એજન્સીને આવતા જ અમેરિકા સતર્ક થયું અને બંને દેશોને યુદ્ધ અટકાવવા સમજાવ્યું હોવાનું તારણ બહાર આવે છે. બંને દેશો વચ્ચેના યુદ્ધ મામલે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે 8મી મે,ગુરુવારે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે “મૂળભૂત રીતે તે અમારો કોઈ વ્યવસાય નથી.” તેમણે સૂચવ્યું કે “યુનાઇટેડ સ્ટેટ્સ બંને પક્ષોને પીછેહઠ કરવા સલાહ આપી શકે છે પરંતુ આ અમેરિકાની લડાઈ નથી.” છતાં 24 કલાકની અંદર જે.ડી વાન્સ અને માર્કો રુબિયો સહીત અમેરિકી અધિકારીઓ એક્શનમાં આવી જાય છે. જે.ડી વાન્સ અને શ્રી રુબિયોને કાર્યવાહીમાં આવવા માટે પ્રેરિત કરનારી બાબત એ હતી કે, પાકિસ્તાની અને ભારતીય વાયુસેનાએ ગંભીર ફાઇટ્સ શરૂ કરી દીધી હતી અને પાકિસ્તાને ભારતીય ક્ષેત્રમાં 300 થી 400 ડ્રોન મોકલ્યા હતા. પરંતુ ચિંતાનું સૌથી મોટું કારણ શુક્રવારે મોડી રાત્રે આવ્યું, જ્યારે ઇસ્લામાબાદને અડીને આવેલા ગેરીસન શહેર, પાકિસ્તાનના રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ પર વિસ્ફોટ થયા. શરૂઆતમાં અનિચ્છા ધરાવતા અમેરિકી પ્રેસિડેન્ટ ઓફિસના અધિકારીઓએ દક્ષિણ એશિયામાં હસ્તક્ષેપ કર્યો કારણ કે આ બંને દેશના યુદ્ધમાં પરમાણુ હુમલાનો ભય વધી ગયો હતો. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે સૂચવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ અમેરિકાની સમસ્યા નથી, ટ્રમ્પ વહીવટીતંત્રને ચિંતા થઈ કે તે નિયંત્રણ બહાર જઈ શકે છે.
ઇસ્લામાબાદને અડીને આવેલા ગેરીસન શહેર, પાકિસ્તાનના રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ એ એક મુખ્ય સ્થાપન છે, જે પાકિસ્તાની સૈન્ય માટે કેન્દ્રીય પરિવહન કેન્દ્રોમાંનું એક છે. જો કે, તે પાકિસ્તાનના સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના મુખ્ય મથકથી પણ થોડા જ અંતરે છે, જે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગારની દેખરેખ અને રક્ષણ કરે છે. હવે માનવામાં આવે છે કે તેમાં લગભગ 170 કે તેથી વધુ યુદ્ધવિમાનોનો સમાવેશ થાય છે.
કહેવાય છે કે, અમેરિકન ગુપ્તચર એજન્સીઓને સ્પષ્ટ પરમાણુ સંકેતનો એકમાત્ર ભાગ પાકિસ્તાન તરફથી આવ્યો હતો. સ્થાનિક મીડિયાએ અહેવાલ પણ આપ્યો હતો કે, વડા પ્રધાન શેહબાઝ શરીફે નેશનલ કમાન્ડ ઓથોરિટીની બેઠક બોલાવી છે. જે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો તે અંગે નિર્ણય લે છે. ૨૦૦૦ માં સ્થપાયેલ આ સંસ્થાનું અધ્યક્ષપદ નામાંકિત રીતે વડા પ્રધાન દ્વારા કરવામાં આવે છે અને તેમાં વરિષ્ઠ નાગરિક મંત્રીઓ અને લશ્કરી વડાઓનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, આ જૂથ પાછળનું પ્રેરક બળ સેના પ્રમુખ જનરલ સૈયદ અસીમ મુનીર છે. જો કે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન, ખ્વાજા મુહમ્મદ આસિફે આ જૂથ ક્યારેય મળ્યું હોવાનો ઇનકાર કર્યો હતો. યુદ્ધવિરામની જાહેરાત થાય તે પહેલાં શનિવારે પાકિસ્તાની ટેલિવિઝન પર બોલતા, તેમણે પરમાણુ વિકલ્પના અસ્તિત્વનો સ્વીકાર કર્યો પરંતુ કહ્યું, “આપણે તેને ખૂબ જ દૂરની શક્યતા તરીકે ગણવું જોઈએ. આપણે તેની ચર્ચા પણ ન કરવી જોઈએ.” આ બધા વચ્ચે પહેલા બંને દેશોના યુદ્ધ રોકવા માટે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત દ્વારા કરવામાં આવેલા હસ્તક્ષેપની અસર નહિવત જોવા મળી હતી. બીજી બાજુ અમેરિકાના ફોક્સ ન્યૂઝ સાથેના ઇન્ટરવ્યુ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જે.ડી વાન્સે એમ પણ કહ્યું હતું કે “અમને ચિંતા છે કે પરમાણુ શક્તિઓ કોઈપણ સમયે અથડાશે અને મોટો સંઘર્ષ થશે.” તેમણે ઉમેર્યું હતું કે “આપણે જે કરી શકીએ છીએ તે છે કે આ લોકોને થોડી તણાવ ઓછો કરવા માટે પ્રોત્સાહિત કરીએ.
ભારત-પાકિસ્તાન વચ્ચે હુમલાઓ અને વળતા હુમલાઓની ગતિ વધી રહી હતી. જ્યારે ભારતે શરૂઆતમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જાણીતા આતંકવાદી કેમ્પો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જે એપ્રિલમાં થયેલા પહેલગાંવ હુમલા માટે જવાબદાર આતંકવાદી જૂથ છે. પરંતુ બાદમાં પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ટ્રમ્પ વહીવટીતંત્રને એ વાતની પણ ચિંતા હતી કે તણાવ ઓછો કરવાના સંદેશા બંને બાજુના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી રહ્યા નથી. અમેરિકન અહેવાલ મુજબ, જે.ડી વાન્સે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સતત હુમલાઓના વિકલ્પો પર વિચાર કરવા દબાણ કર્યું, જેમાં સંભવિત ઓફ-રેમ્પનો પણ સમાવેશ થાય છે જે અમેરિકન અધિકારીઓને લાગે છે કે પાકિસ્તાનીઓને સ્વીકાર્ય સાબિત થશે. બીજી બાજુ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, અમેરિકાના મંત્રી રુબિયોએ જનરલ મુનીર સાથે વાત કરી હતી. આ સાથે તેઓએ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર અને ભારતના રાષ્ટ્રવાદી વિદેશ મંત્રી એસ. જયશંકરને પણ ફોન કર્યો હતો.
બંને દેશોના વડાપ્રધાન અને અધિકારીઓ સાથે વાત કરીને શનિવારે વહેલી સવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને માહિતી આપી કે, ‘અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી, મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. હું બંને દેશોને આ સમજદારીભર્યા નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું.” આ ટ્વીટ બાદ ભારત અને પાકિસ્તાને સત્તાવાર રીતે સ્વીકાર કર્યો કે, અમે યુદ્ધ વિરામ કરીએ છીએ. જો કે આ યુદ્ધ વિરામ પાછળ પરમાણુ હુમલાની વાત સીધી અને દેખીતી રીતે બહાર આવી છે જેને બે દિવસ બાદ પ્રજાને સંબોધન કરતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારપૂર્વક જણાવી હતી કે, “ન્યુક્લિયર બ્લેકમેલ સાંખી નહીં લેવાય”. હવે બે દેશોની વચ્ચે ત્રીજો કોઈ દેશ નહોતો જેથી સીધી રીતે પાકિસ્તાને જ ન્યુક્લિઅર હુમલાની ધમકી કે બ્લેકમેલ કર્યું અને બાદમાં અમેરિકાના મધ્યસ્થીથી યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યું હોવાની અટકળો વહી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).