Face Of Nation 20-03-2026 : ઇતિહાસ સાક્ષી છે કે, જે જે ધર્મગુરુઓ કે પાખંડીઓના કારનામા પ્રકાશમાં આવ્યા છે તેઓને ક્યાંકને ક્યાંક ભાજપના નેતાઓનો સહયોગ હોય છે. જાણે કે, ભાજપના નેતાઓ વોટ બેન્ક માટે થઈને આવા પાખંડીઓના તમામ કરતૂતો અંગે કોઈ મોટી ઘટના ન ઘટે ત્યાં સુધી આંખ આડા કાન કરે છે. આસારામ હોય કે પછી સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પાંડે હોય અથવા તો યોગગુરુ પ્રદીપ હોય. તાજેતરમાં 2 કરોડથી વધુની રકમની બનાવટી ચલણી નોટો પકડતા વધુ એક પ્રદીપ પાખંડી નામના યોગગુરુનો પર્દાફાશ થયો છે. જે ધર્મ અને યોગની આડમાં તેની મેલીમુરાદો પાર પાડી રહ્યો હતો. આ તમામને ભાજપના નેતાઓ સાથે ઘરોબો રહ્યો છે. જેના ફોટા અને વિડીયો પણ સોશિયલ સાઈટો ઉપર અવારનવાર વાયરલ થયા છે. વોટબેન્ક માટે સ્ટેજ ઉપર જાહેરમાં પાખંડીઓને પગે લાગીને રાજકીય નેતાઓ તેમને સમાજમાં જેમફાવે તેમ કરવાનો પરવાનો આપે છે. આશ્વર્યજનક બાબત એ છે કે, તમામ વિવાદિત પાખંડીઓને ભાજપના મુખ્યમંત્રીથી માંડીને હાઇકમાન્ડ નેતાઓ સહિતના પદાધિકારીઓ પગે પડવા જાય છે અને મંચ ઉપર સ્થાન લઇ ખોબલે ખોબલે વખાણ કરે છે બાદમાં આવા પાખંડીઓના કરતૂતો ઉઘાડા પડતા જ તેમના વિરુદ્ધ કાર્યવાહીનું નાટક કરવામાં આવે છે અથવા તો રહેમ નજરની ભલામણ કરવામાં આવે. આ પાખંડીઓના વિવાદ પાછળ તેઓને ક્યાંકને ક્યાંક રહેલું એવું શૂરાતન પણ જવાબદાર છે કે, “તેઓ ભાજપની શરણે છે”
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં આ નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે લાવવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી હતી. જેનો મુખ્ય સૂત્રધાર પોતાને યોગગુરુ અને ધાર્મિકગુરુ તરીકે ઓળખાવતો પાખંડી પ્રદીપ હતો. નોટોની સપ્લાય માટે પાખંડી પ્રદીપ કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં પ્રદીપના કાર્યાલયો ઉપર કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી છે. આ મામલે સત્ય યોગ ફાઉન્ડેશનના પાખંડી પ્રદીપ અને એક મહિલા સહીત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હાલમાં ગુજરાતમાં માત્ર પ્રદીપ એક જ એવો નથી કે જે ધર્મની આડશ લઈને કાંડ કરી રહ્યો હોય. ગુજરાતમાં હજુયે ઘણા એવા પાખંડીઓ છે કે જે ધર્મના નામે અનેક કાવાદાવાઓ કરી રહ્યા છે. સરકારના ચોપડે ધાર્મિક સંસ્થા બતાવીને કરોડોની હેરાફેરી કરનારા લોકોનો રાફળો છે. તાજેતરમાં જ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંતની નાણાં ધીરધારની એક ચોપડી જાહેર થઇ ગઈ હતી અને આ ચોપડી જ એવા અનેક રાજ ખોલી નાખતી હતી કે ધર્મની આડમાં બિલ્ડરો, નેતાઓ અને ધંધાદારીઓને રોકડ ફાઇનાન્સ કરવામાં આવે છે તેમ છતાં કોઈ સરકારી એજન્સીની તાકાત નથી કે આવી સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે કેમ કે સ્થાનિક નેતાઓના આવી સંસ્થાઓ ઉપર ચાર હાથ રહેલા હોય છે. આ આપડા દેશની સૌથી મોટી નબળાઈ છે કે, નેતાઓ તેમની વોટબેન્કની લાલચે પાખંડીઓને જન્મ આપે છે અને પાખંડીઓ પ્રજાને ધર્મના નામે રીતસર લૂંટે છે.
આસારામના કાંડથી સૌ કોઈ સારી રીતે જાણકાર છે. આસારામ જેવા હજુ ભાજપની શરણમાં ઘણા વિવાદિત પાખંડીઓ છે. જેઓ તેમના કરતૂતોથી બચવા સત્તાધારી પક્ષ અને નેતાઓ સાથે ઘરોબો કેળવી રાખે છે. નેતાઓને પણ તેમના કાળા કરતુતો અંગે તમામ જાણકારી હોય છે પરંતુ વોટબેન્ક માટે થઈને તેમને છાવરવામાં આવે છે. આવા કહેવાતા ધર્મગુરુઓ ગાદીએ બેસીને તેમના અનુયાયીઓને ઉશ્કેરવાથી માંડીને ગમે તેવા કાર્યો કરે તેમ છતાં કોઈ મોટો કાંડ ન થાય ત્યાં સુધી તેમની વિરુદ્ધ રહેમ નજર રાખવામાં આવે છે. તાજેતરમાં જ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યએ તેના અનુયાયીઓને ઉશ્કેર્યા હતા છતાં સરકારે તેની વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરો નહોતી. આ જ આચાર્યએ તેમના મુખ્ય મંદિર કાલુપુરમાં સેક્સ સીડી કાંડમાં સપડાયેલો આરોપીને મહંત બનાવી વધારે કાંડ કરવા પ્રોત્સાહિત કર્યો હતો. આ બધી બાબતો જ કહી જાય છે કે, પાખંડીઓને ભાજપના રાજમાં “બારે મેઘ ખાંગા” થઇ ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
હર્ષ સંઘવીને “નાક” જેવું છે ? : પાટણની ઘટનાએ “કાયદા”ના ધજાગરા ઉડાડ્યા !
લડત જ વિકલ્પ ? : વિશ્વમાં દેશો અને દેશમાં સમાજો અંદરો અંદર લડી રહ્યા છે



