Face Of Nation 19-05-2025 : ટેરિફ હાલ અમેરિકામાં રહેલા ઇન્ડિયન સ્ટોરો માટે કમાણીનું બહાનું બની ગયું છે. ટેરિફ શરૂ થયા બાદ જેટલી ચાઈનીઝ પ્રોડક્ટના ભાવોમાં વધારો નથી થયો તેનાથી વધુ વધારો ભારતીય ગ્રોસરી સ્ટોરોમાં થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમેરિકામાં કાર્યરત ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરો માટે ટ્રમ્પ સરકારે જાહેર કરેલા “ટેરિફ” જાણે કે આશીર્વાદરૂપ બની ગયા છે. ટેરીફની જાહેરાત થતાની સાથે જ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરોએ તમામ ભારતીય પ્રોડક્ટોના ભાવો આસમાને કરીને કમાણી કરવાની તક ઝડપી લીધી છે.
ટ્રમ્પ સરકારે ભારત પર 26% ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અમેરિકામાં ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરો ચલાવનારાઓ માટે જાણે કે આશીર્વાદરૂપ સાબિત થયો છે. ટ્રમ્પે ભારત પર 26% ટેરીફની જાહેરાત કરતાની સાથે જ ભારતીય સ્ટોરોમાં ગ્રોસરીના ભાવો વધારી દેવામાં આવ્યા હતા. અમેરિકી ભારતીયોના જણાવ્યા અનુસાર, અગાઉ જે વસ્તુ 3 ડોલરમાં મળતી હતી તેમાં ટેરીફના નામે વધારો કરીને 6 થી 7 ડોલર કરી નાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં સૌથી વધુ ગ્રોસરી સ્ટોરો પટેલ બ્રધર્સના છે. ભારતીયો આ સ્ટોરોમાં મળતી ભારતીય મરીમસાલા અને ખાણીપીણીની ચીજવસ્તુઓની ખરીદી કરે છે. અહીં ઉલ્લેખનીય છે કે, ભારતની મોટાભાગની પ્રોડક્ટ કેનેડા અને અમેરિકામાં બને છે. લોટ સહિતની પ્રોડક્ટ દુબઈથી આયાત કરવામાં આવે છે તેમ છતાં ભારતીય ટેરીફના નામે આ તમામ ચીજવસ્તુઓના ભાવોમાં વધારો કેટલો યોગ્ય છે તે પ્રશ્ન લોકોને ઉદભવી રહ્યો છે. જો કે, તેમની પાસે કોઈ અન્ય પસંદગી ન હોવાથી ઊંચા ભાવે ખરીદી કરવી પડી રહી છે. કેટલાય ભારતીયો હાલમાં શાકભાજી જેવી ચીજવસ્તુઓની ખરીદી માટે સ્થાનિક વોલમાર્ટ અને પબ્લિક્સ જેવા શોપિંગ મોલનો સહારો લઇ રહ્યા છે.
અમેરિકાએ સૌથી વધુ ટેરિફ ચીન ઉપર લગાવ્યો છે. છતાં આજદિન સુધી એવો કોઈ નોંધપાત્ર વધારો ચાઈનીઝ વસ્તુઓ ઉપર જોવા મળ્યો નથી પણ માત્ર 26 ટકા ટેરીફમાં ભારતીયોને કમાણીનું બહાનું મળી ગયું છે. ભારતીયો ભારત ઉપર લગાવવામાં આવેલા 26 ટકા ટેરીફનો ચીજવસ્તુઓમાં ભાવ વધારો કરીને આબાદ લાભ ઉઠાવી રહ્યા છે. હાલ અમેરિકામાં વસનારા ભારતીયોને અસહ્ય મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઇન્ડિયન સ્ટોરોના માલિકો માટે વગર દિવાળીએ દિવાળી જેવો માહોલ થઇ ગયો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).