Home Uncategorized 8 પાસ ગૃહમંત્રી અને પોલીસની ભવ્ય સફળતા : “ટ્રાફિક યુક્ત ગુજરાત”, ઠેર...

8 પાસ ગૃહમંત્રી અને પોલીસની ભવ્ય સફળતા : “ટ્રાફિક યુક્ત ગુજરાત”, ઠેર ઠેર ટ્રાફિક જામ

Face Of Nation 09-08-2025 : આજે ગુજરાતના મોટાભાગના શહેરો ટ્રાફિક ગ્રસ્ત બનતા જઈ રહ્યા છે જેનો શ્રેય 8 પાસ ગૃહમંત્રી અને પોલીસને આપવો પડે. બંનેએ ભેગા મળીને ગુજરાતને ટ્રાફિક મુક્ત બનાવવાને બદલે ટ્રાફિક યુક્ત બનાવી દીધું છે. અમદાવાદના મોટાભાગના રસ્તાઓ નિયમિત જાણે કે, ટ્રાફિકથી ભરચક બની જાય છે. આટલેથી સમિતિ નહિ રહેતા ગાંધીનગરથી આવતા હાઇવે પણ હવે ટ્રાફિકથી ભરચક બનતા જઈ રહ્યા છે. ગુજરાત માત્ર વીવીઆઈપીઓના કાફલા નીકળે ત્યાં સુધી જ ટ્રાફિક મુક્ત હોય છે બાકી પ્રજા માટે ટ્રાફિક ટ્રાફિક અને ટ્રાફિક જ હોય છે. કોઈ સમયસર હોસ્પિટલ નથી પહોંચી શકતું કે કોઈ સમયસર તેમના કામકાજના સ્થળોએ નથી પહોંચી શકતા. ભારે ટ્રાફિકને કારણે અનેકવાર લોકો પરીક્ષા, ટ્રેન અને ફલાઈટ ચૂકી જાય છે. જો કે જે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સહિત આઈપીએસ અધિકારીઓની કમાન 8 પાસ વ્યક્તિના હાથમાં હોય ત્યાં કોઈ આશા રાખવી નિરર્થક છે. આવા રાજ્યમાં અવ્યવસ્થા જ હોય તેમ કહેવામાં કોઈ બે મત નથી.
ભારે ટ્રાફિક વચ્ચે સમય પસાર કરવા કેટલાક લોકો એવી ટિપ્પણી પણ કરી રહ્યા છે કે, કોંગ્રેસના રાજમાં ગાડી નહોતી જે ભાજપના રાજમાં આવી તો હવે ટ્રાફિકની પણ આદત તો પાડવી પડે ને ! સરકાર અને સત્તાધિકારીઓ પ્રજાને પડતી મુશ્કેલીઓ માટે ગંભીર નથી. મત માંગવા હોય કે ચૂંટણી આવવાની હોય ત્યારે જ નેતાઓ પ્રજાને લોલીપોપ વહેંચવા નીકળી પડે છે અને પ્રજાની પણ એટલી ગંભીર બેદરકારી છે કે, આ લોલીપોપ તેઓ હોંશે હોંશે ચૂસે છે અને આનંદ માણે છે પણ તે સમયે મત માંગવા આવનારને સવાલ શુધ્ધા કરી શકવાની હિંમત દેખાડતા નથી કે તેમને સત્તા સ્થાનેથી દૂર કરીને પાઠ ભણાવવાની પણ હિંમત શુધ્ધા કરી શકતા નથી અને તેથી જ સત્તા સ્થાને 8 પાસ નેતાઓ મંત્રી બનીને બેસી જાય છે અને શરૂ કરે છે આયોજન. આવા 8 પાસ કે અભણ મંત્રીઓના આયોજન અને વિચારશરણી પણ તેમના જેટલી જ મર્યાદિત હોય છે. ખરેખર આપણા દેશની દુર્દશા છે કે, જ્યાં ભણેલા ગણેલા અભણ નેતાઓને સલામ ઠોકે છે અને અભણ નેતાઓના આયોજન આગળ તેમનું ભણતર ઝીરો સાબિત કરતા હોય તેવું લાગી રહ્યું છે. વિદેશમાં પ્રજા સુરક્ષિત છે કેમ કે ત્યાં ભણેલા નેતાઓ રાજ ભલે કરે પણ તેઓને સરકારી અધિકારીઓના કામમાં દખલ દેવાની કોઈ છૂટછાટ નથી. જેથી સત્તા સ્થાને બેઠેલા ભણેલા ગણેલા ઉચ્ચ અધિકારીઓ તેમની કાર્યશૈલીથી પ્રજાના વિકાસલક્ષી કર્યો વિના સંકોચે કરે છે. જેમને માથે સરકારને સારું લાગશે કે ખરાબ લાગશે તેવો ભય નથી હોતો. જયારે ભારતમાં અધિકારીઓ નેતાઓના ઈશારે જ કામ કરે છે જેને લઈને ભોગવવાનો વારો પ્રજાને આવે છે.
અમદાવાદમાં ઠેર ઠેર ટ્રાફિક વધતો જઈ રહ્યો છે અને તંત્રનો અણઘડ આયોજન નિષ્ફ્ળ સાબિત થઇ રહ્યું છે તેમ છતાં આ મામલે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી કે સરકારને કડકાઈથી પૂછનાર પણ કોઈ નથી. હાઇકોર્ટના જજ પહેલા ઘરેથી હાઇકોર્ટ જતા હોય અને રસ્તામાં ભારે ટ્રાફિક કે અવ્યવસ્થા દેખાય તો કોર્ટમાં આવતાવેંત તેઓ પોતે ફરિયાદી બનીને સુઓમોટો રિટ દાખલ કરતા અને સરકાર પાસે પ્રજાને પડતી હાલાકીને લઈને જવાબ માંગતા પણ બદનસીબે આજે આવી કોઈ સુઓમોટો રિટ પણ હાઇકોર્ટ દાખલ કરતું નથી જેને લઈને સરકારને મોજ પડી ગઈ છે. સત્તા સામે કોઈ કડકાઈ દાખવનારું નથી કે કોઈ પ્રશ્ન કરનારું પણ નથી. પ્રજાતો ચૂંટણીમાં ભાજપને જ માટે આપશે તેવો દ્રઢ વિશ્વાસે આજે સત્તાને બેફામ બનાવી દીધી છે. ખેર ! પ્રજાએ જ ચૂંટેલા નેતાઓ અને સરકાર છે, કાં પ્રજાએ તેમના આયોજનો અને નિયમો સ્વીકારવા પડશે કાં તેમને સત્તા સ્થાનેથી દૂર કરવા પડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation નિયમિત ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવા ક્લિક કરો : https://chat.whatsapp.com/IExd72W3WVJDj626cS7w5W?mode=r_t ).